Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વિરાટ કોહલી અને અનુષ્‍કા શર્માએ પુત્રીનું નામ ‘વામિકા' રાખ્‍યુઃ પ્રથમ વખત તસ્‍વીર શેર કરી

મુંબઇઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને અભિનેત્રી અનુષ્કા શર્માએ માતા-પિતા બન્યાના 21 દિવસ બાદ દિકરીનું નામ જાહેર કર્યું. સાથે સોશિયલ મીડિયા પર તસવીર પણ શેર કરી.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિકરીને ખોળામાં રાખેલી એક તસવીર પોસ્ટ કરી લખ્યું કે તેમણે પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. જેનો મતલબ દુર્ગા થાય છે.

તસવીરમાં દિકરીનો ચેહરો દેખાતો નથી

અનુષ્કા શર્મા અને વિરાટે જે તસવીર શેર કરી છે. તેમાં બંને દિકરીને બહુ વહાલ કરતા દેખાઇ રહ્યા છે. જો કે વામિકાનો ચેહરો તસવીરમાં દેખાતો નથી.

નોંધનીય છે કે અનુષ્કાએ 11 જાન્યુઆરીએ પ્રથમ સંતાન તરીકે દીકરીને જન્મ આપ્યો હતો. તે પહેલા વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના ચાલુ પ્રવાસેથી પેટરનેટિવ લીવ પર ભારત આવી ગયો હતો. હવે તે પાછો ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મીથી ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ રમાવાની છે.

શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અમે પ્રેમ, કરતા એક સાથે રહ્યાં, અમારા પ્રેમ અને વિશ્વાસને વામિકાના આગમનથી નવું મુકામ મળ્યું છે. થોડીક મિનિટો માં આંસુ, ખુશી, ચિંતા, આનંદ દરેક વાતનો અનુભવ થયો. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.’

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મ બાદ 11 દિવસ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી.

વિરાટના બે ચશ્માએ બધાનું ધ્યાન ખેંચ્યુ હતું

વિરાટ કોહલીના બે ચશ્માએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વિરાટે એક ચશ્મા પહેર્યા હતા અને બીજા ચશ્મા શર્ટ પર ભરાવ્યા હતા. માનવામાં આવે છે કે શર્ટ પર ભરાવેલા ચશ્મા નંબરના હતા. વિરાટે જે ચશ્મા પહેર્યા હતા તે સનગ્લાસ હતા.

અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપ્યું હતુ

અનુષ્કા તથા વિરાટે ગિફ્ટમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ સાથે એક પત્ર મોકલ્યો હતો. આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં હતો.

પત્રમાં શું કહેવામાં આવ્યું હતુ?

વિરાટ તથા અનુષ્કાએ પત્રમાં કહ્યું હતું, “હાઈ, તમે અમને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે. પેરેન્ટ્સ તરીકે અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ. અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ.”

વધુમાં નોટમાં કહેવામાં આવ્યું હતું, ‘અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો. અમને ખ્યાલ છે કે તમે આ સમજશો. આના માટે આભાર.’

(5:21 pm IST)