Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

દિનેશ કાર્તિકની આગેવાનીમાં તમિલનાડુની ટીમે શાનદાર પ્રદર્શન કરતા સૈયદ મુશ્‍તાક અલી ટ્રોફી કબ્‍જે કરીઃ બરોડાની ટીમનો 7 વિકેટે પરાજય

નવી દિલ્હીઃ દિનેશ કાર્તિકની આગેવાનીમાં તમિલનાડુની ટીમે સૈયદ મુશ્તાલ અલી ટ્રોફી 2021ના ફાઇનલ મુકાબલામાં બરોડાને 7 વિકેટે હરાવી ટાઇટલ કબજે કરી લીધુ છે. દિનેશ કાર્તિકની આગેવાનીમાં આ ટૂર્નામેન્ટમાં તમિલનાડુનું પ્રદર્શન દમદાર રહ્યું અને આખરે ટીમે ટ્રોફી પોતાના નામે કરી છે. બરોડાએ 20 ઓવરમાં 9 વિકેટ પર 120 રન બનાવ્યા હતા અને તમિલનાડુને જીતવા માટે 121 રનનો લક્ષ્ય મળ્યો હતો. કાર્તિકની ટીમે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

તમિલનાડુની ઈનિંગ, ટીમ બની ચેમ્પિયન

તમિલનાડુને જીત માટે 121 રનનો ટાર્ગેટ મળ્યો અને ઓપનિંગ બેટ્સમેન એન જગદીશન અને હરિ નિશાંતે સારી શરૂઆત કરી, પરંતુ 26 રનના સ્કોર પર ટીમની પ્રથમ વિકેટ જગદીશનના રૂપમાં પડી હતી. તેણે 12 બોલમાં 14 રન બનાવ્યા હતા. હરિ નિશાંત 35 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન દિનેશ કાર્તિકના રૂપમાં ટીમને ત્રીજો ઝટકો 101 રનના સ્કોર પર લાગ્યો હતો. કાર્તિકે 16 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. બાબા અપરાજિતે અણનમ 29 અને શાહરૂખ ખાને અણનમ 18 રન બનાવી ટીમને જીત અપાવી હતી.

બરોડાના બેટ્સમેન ફેલ

આ મેચમાં તમિલનાડુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બરોડાએ 20 ઓવરમાં 9 વિકેટે 120 રન બનાવ્યા હતા. તમિલનાડુની શાનદાર બોલિંગની સામે બરોડાના બેટ્સમેન મહત્વની મેચમાં નિષ્ફળ રહ્યા હતા. ટીમ માટે સૌથી વધુ રન વિષ્ણુ સોલંકીએ બનાવ્યા. તેણે 55 બોલમાં એક ચોગ્ગો અને બે છગ્ગા સાથે 49 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન કેદાર દેવધર માત્ર 16 રન બનાવી આઉટ થયો હતો એ શેઠે 29 રન ભાર્ગવ ભટ્ટે અણનમ 12 રનનું યોગદાન આપ્યું હતું.

તમિલનાડુ તરફથી મનિમારન સિદ્ધાર્થે ઘાતક બોલિંગ કરી અને 4 ઓવરમાં 20 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. તો બાબા અપરાજિત, સોનૂ યાદવ તથા એમ મોહમ્મદને એક-એક વિકેટ મળી હતી.

(5:30 pm IST)