Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ત્રણ ટેસ્‍ટ પુરી થઇ ગઇ છતાં વિરાટ કોહલીના બેટમાંથી રનના ધોધ કે સદી ન નીકળતા ચાહકો નિરાશઃ 2019માં સદી ફટકારી હતીઃ આમ જ ચાલ્‍યુ તો સૌથી ખરાબ રેકોર્ડમાં સ્‍થાન મળશે

અમદાવાદઃ વિરાટ કોહલી આ નામ સામે આવે એટલે સતત રન ફટકારનાર બેટ્સમેનનું નામ જ નજરની સામે આવે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેનું બેટ બોલ્યું નથી. ટેસ્ટ હોય કે વન-ડે. પછી ટી-20. વિરાટ કોહલી એકપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. હાલમાં ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. તેમાં ચાહકોને આશા હતી કે વિરાટ કોહલીના બેટમાંથી રનનો ધોધ નીકળશે. પરંતુ તે તમામ આશા ઠગારી નીવડી. એક નહીં પરંતુ ત્રણ ટેસ્ટ પૂરી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી કોહલીના બેટમાંથી સદી નીકળી શકી નથી. વિરાટ કોહલીને સચિન તેંડુલકરની 100 સદીના રેકોર્ડને તોડવાનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. પરંતુ લાંબા સમયથી તે પોતાની 71મી સદી માટે તરસી રહ્યો છે.

છેલ્લે ક્યારે ફટકારી હતી સદી:

વિરાટ કોહલીએ છેલ્લે બાંગ્લાદેશ સામે નવેમ્બર 2019માં ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ તેના પછીથી કોહલી ક્રિકેટના એકપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. સંયોગની વાત એ છે કે તેની છેલ્લી સદી પણ ડે-નાઈટ ટેસ્ટમાં જ જોવા મળી હતી.

અમદાવાદમાં ત્રીજી ટેસ્ટમાં ઈંતઝાર ખતમ થયો નહીં:

કોહલીએ 2008માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના પછી 2021 સુધી 13 વર્ષમાં 7 સદી ફટકારી છે. 2019ના અંત સુધી ફેન્સ દાવો કરવા લાગ્યા હતા કે જે સ્પીડથી કોહલી સદી ફટકારી રહ્યો છે તે સચિનનો રેકોર્ડ તોડી નાંખશે. તેના પછી જાણે કોહલીને નજર લાગી ગઈ. 11 ઈનિંગ્સથી સદી માટે તરસતો કોહલી અમદાવાદ ટેસ્ટમાં માત્ર 27 રન બનાવીને આઉટ થઈ ગયો. 58 બોલ રમ્યા પછી તેને જેક લીચે કલીન બોલ્ડ કરી દીધો.

વિરાટ કોહલી માટે સૌથી કપરો સમય:

કોહલીની કારકિર્દીમાં આ બીજી વખત એવું બન્યું છે. જ્યારે તે 11 ઈનિંગ્સમાં કોઈ સદી ફટકારી શક્યો નથી. તેની પહેલાં ઓગસ્ટ 2015થી લઈ જુલાઈ 2016ની વચ્ચે 11 ઈનિંગ્સ સુધી કોહલીના બેટમાંથી એકપણ સદી નીકળી ન હતી. સદી માટે સૌથી લાંબો ઈંતઝાર કોહલીને 2011-12માં કરવો પડ્યો હતો. જ્યારે 13 ઈનિંગ્સમાં તે એકપણ સદી ફટકારી શક્યો ન હતો.

વન-ડેમાં 2019માં ફટકારી હતી છેલ્લી સદી:

2008 પછીથી 2020નું પહેલું એવું કેલેન્ડર યર હતું જ્યારે વિરાટ કોહલીના બેટમાંથી કોઈ સદી નીકળી નથી. કોરોનાથી પ્રભાવિત રહેલા વર્ષ 2020માં વધારે ક્રિકેટ મેચ રમી શકાઈ નહીં. કોહલીએ 6 ટેસ્ટ મેચની 11 ઈનિંગ્સમાં 3 વખત અર્ધસદી ફટકારી છે. જોકે તે એકપણ વાર તેને સદીમાં ફેરવી શક્યો નથી. વન-ડે અને ટી-20 મેચમાં પણ કોહલીના નામે આ સમયમાં કોઈ સદી નથી. કોહલીએ વન-ડેમાં છેલ્લે પોતાની સદી ઓગસ્ટ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી. જ્યારે ટી-20 મેચમાં કોહલી બે વખત સદીની નજીક પહોંચ્યો. પરંતુ સફળ થઈ શક્યો નહીં. ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 35 ઈનિંગ્સ (11 ટેસ્ટ, 12 વન-ડે અને 12 ટી-20)થી વિરાટ કોહલીનું બેટ સદીથી વંચિત રહ્યું છે.

શું ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બેટમાંથી નીકળશે રનનો ધોધ:

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4થી 8 માર્ચની વચ્ચે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. હાલ 4 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. છેલ્લી ટેસ્ટ મેચ જીતીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. ત્યારે શું આ મેચમાં કોહલીનો રનનો દુકાળ પૂરો થશે કે પછી તેને હજુ વધારે સમય રાહ જોવી પડશે.

(5:00 pm IST)