Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આઈ.પી.એલ.માં આર.સી.બી.ને મોટો ઝટકો : સ્‍ટાર બોલર કેન રિચર્ડસન પિતા બનવાનો હોય તેણે ટુર્નામેન્‍ટ છોડી

નવી દિલ્હીઃ આઈપીએલ (IPL)ની 13મી સીઝન શરૂ થઈ નથી અને સતત ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ સ્ટાફના 13 ખેલાડીઓનો કોરોના પોઝિટિવ આવ્યો તો અનુભવી ખેલાડી સુરેશ રૈના આઈપીએલ છોડીને સ્વદેશ પરત આવી ગયો, હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ઝટકો લાગ્યો છે.

આરસીબીનો સ્ટાર બોલર કેન રિચર્ડસન આઈપીએલની આ સીઝનમાં રમશે નહીં. હકીકતમાં રિચર્ડસન જલદી પિતા બનવાનો છે અને તે ઈચ્છે છે કે પરિવારની સાથે સમય પસાર કરે. આ કારણ છે કે તેણે ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ લીધું છે. આરસીબીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. વિરાટ કોહલીની ટીમમાં હવે રિચર્ડસનના સ્થાને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાને સામેલ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે ઝમ્પાને હરાજીમાં કોઈએ પોતાની ટીમમાં સામેલ કર્યો નથી. તેની બેઝ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા હતા. તો રિચર્ડસનને હરાજીમાં ફ્રેન્ચાઇઝીએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આને બીજી રીતે જોવામાં આવે તો ઝમ્પા ટીમમાં આવવાથી આરસીબીના સ્પિન વિભાગને મજબૂતી મળી છે. યુજવેન્દ્ર ચહલ, મોઇન અલી અને પવિન નેગી જેવા બોલર ટીમની સાથે છે. ઝમ્પા ટીમ સાથે જોડાયો નથી. આરસીબીએ પોતાનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો કરીને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તો ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી જલદી ટીમ સાથે જોડાવાનો છે.

(5:23 pm IST)