Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

આઇપીએલ ક્રિકેટ મેચમાં દિલ્‍હી કેપિટલ્‍સ ટીમમાં રૂષભ પંત વિકેટકીપરની સાથે સાથે કેપ્‍ટનની ભૂમિકા પણ જોવા મળશે

અમદાવાદઃ IPL 2021ની શરૂઆતમાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બધી 8 ટીમ IPLની તૈયારીમાં વ્યસ્ત છે. કેપ્ટન શ્રેયસ ઐય્યર બહાર થઈ જવાથી દિલ્લી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. હવે ફ્રેન્ચાઈઝીએ યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. IPLમાં આ વખતે ઋષભ પંત વિકેટકીપર કેપ્ટનના રૂપમાં જોવા મળશે. 9 એપ્રિલથી આઈપીએલ શરૂ થઈ રહી છે. જેમાં  14મી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોની, લોકેશ રાહુલ, સંજુ સેમસન અને ઋષભ પંત એમ ચાર વિકેટકીપર કેપ્ટન જોવા મળશે.

IPL 2021માં વિકેટકીપર કેપ્ટન:

1. મહેન્દ્ર સિંહ ધોની

IPL 2021માં ચેન્નઈ સુપર કિંગ્સની કમાન ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં રહેશે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ચેન્નઈને ત્રણ વખત IPLનું ટાઈટલ અપાવ્યું છે. તે સિવાય પાંચ વખત ચેન્નઈની ટીમ રનર્સ અપ રહી છે. ધોનીએ પોતાના દમ પર ચેન્નઈને અનેક મેચ જીતાડી છે. જ્યારે વિકેટની પાછળ તેની ચપળતાનો કોઈ જવાબ નથી. ધોનીએ IPLની 204 મેચમાં 40.99ની એવરેજથી 4632 રન બનાવ્યા છે. જેમાં 23 અર્ધસદીનો સમાવેશ થાય છે. ધોનીએ વિકેટની પાછળ 148 શિકાર કર્યા છે. જેમાં 109 કેચ અને 39 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.

2. લોકેશન રાહુલ

પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલ  પર ટીમને પહેલું IPL ટાઈટલ અપાવવાની જવાબદારી રહેશે. તેના માટે લોકેશ રાહુલે બેટિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરવી પડશે. રાહુલે IPLમાં 81 મેચમાં 44.86ની એવરેજથી 2647 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 21 અર્ધસદી ફટકારી છે. રાહુલે વિકેટની પાછળ 37 શિકાર પણ કર્યા છે.

3. સંજુ સેમસન

રાજસ્થાન રોયલ્સે IPL 2021માં સંજુ સેમસનને કેપ્ટન બનાવ્યો છે. જોકે રાજસ્થાન પાસે જોસ બટલર અને બેન સ્ટોક્સ જેવા સ્ટાર અને અનુભવી ખેલાડી હતા. તેમ છતાં ફ્રેન્ચાઈઝીએ સંજુ સેમસન પર વિશ્વાસ રાખ્યો. વિકેટકીપર બેટ્સમેન સેમસન IPLમાં પહેલીવાર કેપ્ટનશીપ કરતો જોવા મળશે. IPLમાં સેમસને 107 મેચમાં 27.78ની એવરેજથી 2584 રન બનાવ્યા છે. જેમાં 2 અર્ધસદી અને 13 અર્ધસદીનો સમાવેશ થાય છે. સેમસને વિકેટની પાછળ 35 શિકાર પણ કર્યા છે.

4. ઋષભ પંત

23 વર્ષના ઋષભ પંતને દિલ્લી કેપિટલ્સે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન પંતને શ્રેયસ ઐય્યરની ઈજાના કારણે આ જવાબદારી મળી છે. ઋષભ પંત IPL ઈતિહાસમાં પાંચમો યુવા કેપ્ટન છે. પોતાની કેપ્ટનશીપમાં પંત દિલ્લી કેપિટલ્સને પહેલીવાર ટાઈટલ અપાવવા ઈચ્છશે. પંતે 68 IPL મેચમાં 35.23ની એવરેજથી 2079 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 12 અર્ધસદીનો સમાવેશ થાય છે. જ્યારે વિકેટની પાછળ 54 શિકાર પણ કર્યા છે. જેમાં 43 કેચ અને 11 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.

(5:19 pm IST)