Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઈંગ્લેન્ડમાં ચેતેશ્વર પુજારાએ વધુ એક બેવડી સદી ફટકારી

૨૮ વર્ષ જુના આ રેકોર્ડની કરી બરાબરીઃટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પોતાની ખોવાયેલી ગતિ પાછી મેળવી લીધી

  લંડન, તા.૧ : ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પોતાની ખોવાયેલી ગતિ ફરી પાછી મેળવી લીધી છે અને ફરીથી ફોર્મમાં આવી ગયો છે. ઇંગ્લેન્ડમાં પૂજારા સદીઓ ફટકારી રહ્યો છે અને રેકોર્ડ બનાવી રહ્યો છે. કાઉન્ટી ક્રિકેટમાં અત્યાર સુધીમાં તેણે ૧૩૦થી વધુની એવરેજથી ૫૦૦થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે ૨૮ વર્ષ જૂના એક મોટા રેકોર્ડની પણ બરાબરી કરી.

ભારતીય ટેસ્ટ ટીમમાં પરત આવવા માટે ફરીથી ફોર્મમાં આવવાની પ્રેક્ટિસ રુપે હાલ ઇંગ્લેન્ડ ગયેલા ચેતેશ્વર પૂજારાએ સસેક્સ માટે સતત બીજી મેચમાં બેવડી સદી ફટકારી હતી. કાઉન્ટી ચેમ્પિયનશિપના બીજા વિભાગમાં ડરહામ સામેની આ ચાર દિવસીય મેચમાં શનિવારે પૂજારા ૩૩૪ બોલમાં ૨૦૩ રન બનાવીને આઉટ થયો હતો. ૧૦૭ રન સાથે દિવસની શરૃઆત કરનાર પુજારાએ પોતાની ઇનિંગ્સમાં ૨૪ ચોગ્ગા ફટકાર્યા હતા. તેની બેવડી સદીની મદદથી સસેક્સે પ્રથમ દાવમાં ૫૩૮ રન બનાવીને ૩૧૫ રનની લીડ મેળવી હતી. ડરહામનો પ્રથમ દાવ ૨૨૩ રનમાં સમેટાઈ ગયો હતો.

ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માંગતા પૂજારાની પાંચ ઇનિંગ્સમાં આ ત્રીજી સદી છે. આ દરમિયાન, તેણે સસેક્સ સાથેની તેની પ્રથમ મેચમાં ૬ અને અણનમ ૨૦૧ રન બનાવ્યા હતા, જેના કારણે ડર્બીશાયર સામે ફોલોઓન મેળવ્યા બાદ સસેક્સે આ મેચ ડ્રો કરી હતી. ત્યાર બાદ પુજારાએ વર્સેસ્ટરશાયર સામે ૧૦૯ અને ૧૨ રનની ઇનિંગ્સ રમી હતી. જોકે આ મેચમાં તેની ટીમને ૩૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સાથે પૂજારાએ ૨૮ વર્ષના મોહમ્મદ અઝહરુદ્દીનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પૂજારા હવે ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં બે બેવડી સદી ફટકારનાર બીજો ભારતીય બની ગયો છે. આ પહેલાં અઝહરે ૧૯૯૧માં ૨૧૨ અને ૧૯૯૪માં ૨૦૫ રન બનાવ્યા હતા.

(10:24 pm IST)