Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કમલપ્રિત કૌરઃ ફાઇનલ જીતશે તો ભારતનું એથ્લેટીકસમાં મેડલનું મહેણું ભાંગશે

મેડલ જીતવાની શરૂઆત કરી તો લોકો શુભેચ્છા આપતા અને પુછતા કે આ ડિસ્ક થ્રો હોય અને કેવી રીતે રમાય છે ?: કમલપ્રિત કૌર પંજાબની આ દિકરીના પરિવારજનો કહે છે ફાઇનલમા પહોંચવુએ પણ અમારા માટે મેડલથી કમ નથી

નવી દિલ્હીઃ ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચનારાં કમલપ્રીત કૌરની ખૂબ પ્રશંસા થઈ રહી છે પરંતુ એ પણ સત્ય છે કે આ અગાઉ ન તો લોકોને એમનું નામ ખબર હતી ન તો એમની રમત વિશે કંઈ જાણ હતી.

 ડિસ્કસ થ્રોનાં ખેલાડી કમલપ્રીત કૌર પાસે એ આશા રાખવામાં આવી રહી છે જે ભારતમાં કોઈ પણ મહિલા ખેલાડી ક્યારેય નથી કરી શક્યાં. આ વાત છે ઑલિમ્પિકમાં ઍથ્લેટિકસમાં મેડલ જીતવાની.

 કમલપ્રીત કૌરે અત્યાર સુધી શાનદાર દેખાવ કરીને ટોક્યો ઑલિમ્પિકની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

 ઑલિમ્પિકમાં મેડલની ખૂબ નજીક પહોંચનાર મિલખા સિંહનું એ સપનું હતું કે ભારત ઍથ્લેટિકસમાં મેડલ મેળવે. મિલખા સિંહ તો હવે નથી પણ એમનું સપનું કમલપ્રીત કૌર સાકાર કરી શકે છે.

 ઑલિમ્પિકમાં જતા પહેલાં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કમલપ્રીતને જ્યારે તેમની રમત વિશે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો હતો, ૅજ્યારે મેં રાષ્ટ્રીય સ્તર પર મેડલ જીતવાની શરૂઆત કરી તો તમામ લોકો શુભેચ્છા આપતા, પરંતુ શુભેચ્છા પાઠવીને તેઓ પૂછતાં કે, આ ડિસ્ક થ્રો શું હોય છે, કેવી રીતે રમાય છે. ?

 સમાચારોથી દૂર કમલપ્રીત છેલ્લાં ત્રણ વર્ષથી સતત મહેનત કરીને ઓલિમ્પિક સુધી પહોંચ્યાં છે.

 કમલપ્રીત ક્રિકેટ પણ રમે છે. તેઓ ક્રિકેટર પણ બનવાં માગતાં હતાં. તેમનું સપનું છે કે તેમને જ્યારે તક મળશે ત્યારે તેઓ ક્રિકેટમાં પણ હાથ અજમાવશે.

 જોકે, હાલ તેમનું લક્ષ્ય ડિસ્કસ થ્રો અને ઑલિમ્પિક મેડલ છે. જ્યારે ઑલિમ્પિકની ફાઇનલ સુધી પહોંચવાં માટે ટોક્યોમાં રમી રહ્યાં હતાં ત્યારે તેમના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા, કેમ કે ખેતીનું કામ રોકી નથી શકાતું.

 પરિવાર દીકરીની રાહ જુએ છે. મેડલ મળે તેવી તો ભરપૂર ઇચ્છા હોય જ પરંતુ ઑલિમ્પિક સુધી પહોંચવું એ પણ કમલપ્રીતના પરિવાર માટે મેડલથી કમ નથી.

(4:04 pm IST)