Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ફાઈનલમાં હારનાર ઝુ યિંગને પીવી સિંધૂએ આશ્વાસન આપ્યું

ઓલિમ્પિકની સેમિફાઈનલમાં સિંધૂનો પરાજય થયો હતો : તાઈ ઝુ યિંગે ઈન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે કેવી રીતે સિંધૂએ તેને ગળે મળી હતી અને તેને હિંમત વધારી હતી

 

ટોક્યો, તા.૨ : ટોક્યો ઓલિમ્પિક્સની બેડમિન્ટન વિમેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પીવી સિંધૂને ચીની તાઈપેઈની તાઈ ઝુ યિંગ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં સિંધૂ બ્રોન્ઝ મેડલ જીતી હતી. જ્યારે વિશ્વની નંબર વન શટલર તાઈ ઝુ યિંગને ફાઈનલમાં ચીનની ચેન યુફેઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

બાદમાં તાઈ ઝુ યિંગે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે કેવી રીતે સિંધૂએ તેને ગળે મળી હતી અને તેને હિંમત વધારી હતી. તાઈ ઝુ યિંગે ફાઈનલમાં અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું પરંતુ તેને ૧૮-૨૧, ૨૧-૧૯, ૧૮-૨૧થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

તાઈ ઝુએ લખ્યું હતું કે, મેચ બાદ હું મારા પ્રદર્શનથી સંતુષ્ટ હતી. બાદમાં પીવી સિંધૂ મારી પાસે આવી હતી અને મને ગળે મળી હતી, તેણે મારો ચહેરો પકડ્યો હતો અને કહ્યું હતું કે, હું જાણું છું કે તે અસહજ છે અને તે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, પરંતુ આજે તારો દિવસ ન હતો. બાદમાં તે મને ભેટી પડી હતી. તેણે આ રીતે મારી હિંમત વધારી તેનાથી હું રડી પડી હતી.

૨૦૧૬ રિયો ઓલિમ્પિક્સ સિંધૂની પ્રથમ ઓલિમ્પિક્સ હતી જેમાં તે વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં પહોંચી હતી. જોકે, તેણે લડાયક પ્રદર્શન કર્યું હોવા છતાં તેને સ્પેનની કેરોલિન મારિન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આમ સિંધૂએ તેની પ્રથમ ઓલિમ્પિક્સમાં જ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે જ સિંધૂ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.

(8:56 pm IST)