Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો : મયંક અગ્રવાલને બોલ વાગતા માથામાં ઇજા: પ્રથમ ટેસ્ટમાંથી બહાર

મયંકને નેટ સેશન દરમ્યાન મંહમદ સિરાજના શોર્ટ પીચ બોલ પર માથામાં ઈજા પહોંચી

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડીયા ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમનાર છે. જોકે આ પહેલા જ ભારતીય ટીમનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. બુધવારથી બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થનારો છે. આ પહેલા જ ઓપનર મયંક અગ્રવાલના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. મયંકને મંહમદ સિરાજના શોર્ટ પીચ બોલ પર માથામાં ઈજા પહોંચી છે. જેને લઈને તેને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થવા મજબૂર થવુ પડ્યુ છે.

ટ્રેન્ટબ્રિઝમાં નેટ સેશન દરમ્યાન મયંક અગ્રવાલને ઈજા પહોંચી છે. BCCIએ જાહેર કરેલા નિવેદન મુજબ મેડીકલ ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી અને તેનો કન્કશન ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આ દરમ્યાન તેનામાં કન્કશનના લક્ષણ જોવા મળ્યા હતા. આમ મંયક પ્રથમ ટેસ્ટ માટે ફિટ જણાયો નથી, જેને લઈને તેને ટીમની બહાર રાખવામાં આવ્યો છે.

જોકે મયંક અગ્રવાલ હાલમાં ઠીક છે અને તેની પર BCCIની મેડીકલ ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. મયંક અગ્રવાલ નેટ પ્રેકટીસ કરી રહ્યો હતો એ દરમ્યાન તેને માથાના પાછળના ભાગે બોલ વાગ્યો હતો. સિરાજનો સામનો કરવા દરમ્યાન શોર્ટ પીચ બોલ પર મયંકે પોતાની નજર હટાવી લીધી હતી. જેને લઈને બોલ સીધો જ તેના માથાના પાછળના ભાગે વાગ્યો હતો.

તેના બાદ તેને સમસ્યા જણાઈ હતી અને તે નીચે બેસી ગયો હતો. ત્યારબાદ તે પોતાના માથાને પાછળના ભાગને દબાયેલો જોવા મળ્યો હતો. ટીમની ફિઝીયો નિતી પટેલે તેની તપાસ કરી હતી. તે અગ્રવાલને મેદાનથી બહાર લઈ ગયા હતા. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલા ભારતીય બેટ્સમેનોમાં સિરાજ સૌથી ઝડપી બોલીંગ કરે છે. એવામાં મયંકને બોલ પરથી નજર હટાવવાનું ભારે પડ્યુ છે.

(12:22 am IST)