Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઇન્‍ડિયા વિમેન અન્‍ડર-૧૯ ટીમ ૩-૦ થી શ્રેણી જીતી

ન્‍યુ ઝીલેન્‍ડની નેન્‍સી હિતેશકુમાર પટેલને ગઇ કાલની મેચમાં ૨૮ રનમાં એક વિકેટ મળી હતી.

ગઇ કાલે બીકેસીમાં રમાયેલી મેચમાં સોનિયા મેંધિયા અને જી. ત્રિશા ભારતીય ટીમની બે ટોપ-સ્‍કોરર હતી. તેમણે અનુક્રમે ૩૮ અને ૩૨ રન બનાવ્‍યા હતા.

શ્વેતા સેહરાવતની કેપ્‍ટન્‍સીમાં ઇન્‍ડિયા વિમેન અન્‍ડર-૧૯ ટીમે ગઇ કાલે બાંદરા- કુર્લા કોમ્‍પ્‍લેકસ (બીકેસી) ના શરદ પવાર ક્રિકેટ એકેડેમીના ગ્રાઉન્‍ડ પર ન્‍યુ ઝીલેન્‍ડ વિમેન અન્‍ડર-૧૯ ટીમને ટી૨૦ સિરીઝની સતત ત્રીજી મેચમાં ૩૦ રનથી હરાવીને પાંચ મેચવાળી સિરીઝમાં ૩-૦થી વિજ્‍યી સરસાઇ મેળવી લીધી છે.

પ્રવાસી ટીમ ૧૪૬ રનના લક્ષ્યાંક સામે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૧૫ રન બનાવી શકી હતી. ઓપનર ઓલિવિયા ગેઇને ૩૫ બોલમાં ૪૦ રન બનાવ્‍યા છતાં ન્‍યુઝીલેન્‍ડની ટીમ ટાર્ગેટની નજીક પણ પહોંચી નહોતી શકી. ઇન્‍ડિયા વિમેન અન્‍ડર-૧૯ ટીમની સુપરસ્‍ટાર ઓલરાઉન્‍ડર અને પહેલી બન્ને મેચમાં ત્રણ-ત્રણ વિકેટ લેનાર હર્લી ગાલા આ મેચમા નહોતી. ભારતીય ટીમની ૭માંથી ૪ બોલર્સને વિકેટ મળી હતી. જેમાં તીતા સાધુ, સોનમ યાદવ અને પાર્શ્વી ચોપડા સૌથી સફળ રહી હતી. ત્રણે પ્‍લેયર્સે બે-બે વિકેટ લીધી હતી. જ્‍યારે જી.ત્રિશાને એક વિકેટ મળી હતી. વિકેટકીપર રિશિતા બાસુએ એક કેચ પકડયો હતો તેમ જ બે બેટરને સ્‍ટમ્‍પ-આઉટ કરી હતી.

એ પહેલાં ઇન્‍ડિયા વિમેન ટીમે બેટિંગ લીધા પછી ૨૦ ઓવસમાં ૮ વિકેટે ૧૪૫ રન બનાવ્‍યા હતા, જેમાં સોનિયા મેંધિયા (૩૮ રન, ૨૮ બોલ, ૬ ફોર) નુ સૌથી મોટું યોગદાન હતું. જી.ત્રિશા (૩૨ રન, ૨૭ બોલ, પાંચ ફોર) ફરી સારું રમી હતી. કેપ્‍ટન શ્વેતા (૨૦ રન, ૨૪ બોલ, એક સિક્‍સર, એક ફોર) અને ઓપનર સૌમ્‍યા તિવારી (૧૬ રન, ૨૧ બોલ, ત્રણ ફોર) તેમ જ તીતા સાધુ (૧૬ અણનમ, ૭ બોલ, ત્રણ ફોર) ની ઇનિંગ્‍સ પણ ટીમ માટે ઉપયોગી સાબિત થઇ હતી. કિવી બોલર કેઇલ નાઇટે ૨૪ રનમાં ૪ વિકેટ લીધી હતી, પરંતુ છેવટે તેનો એ તરખાટ પાણીમાં ગયો હતો.

હવે બાકીની બે મેચ રવિવારે અને મંગળવારે રમાશે. આ સિરીઝ જાન્‍યુઆરીમાં સાઉથ આફ્રિકામાં યોજાનારા પ્રથમ વિમેન અન્‍ડર-૧૯ વર્લ્‍ડ કપ પહેલાંની પૂર્વ તૈયારી રૂપે રમાઇ રહી છે.

(6:10 pm IST)