Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ભારતમાં કોરોના મહામારી વધુ પ્રસરતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા મદદેઃ કોરોના સંકટને પહોચી વળવા ૩૭ લાખનું દાન કરાશે

મેલબર્ન: ભારતમાં હાલ કોરોના વાયરસનો પ્રકોપ છે. બીજી લહેર ખુબ જોખમી જોવા મળી રહી છે. આવામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સાથ મળ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતની મદદ માટે આગળ આવ્યું છે. સોમવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે જાહેરાત કરી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દાન કરશે આટલા રૂપિયા

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે તે કોરોના સંકટને પહોંચી વળવા માટે 50 હજાર ડોલર એટલે કે લગભગ 37 લાખ રૂપિયાનું દાન કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સાથે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન અને યુનિસેફ ઓસ્ટ્રેલિયા ભારતની મદદ માટે ફંડ ભેગુ કરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાઢ મિત્રતા

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન બહાર પાડતા કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાઢ મિત્રતા છે અને તેણે 50 હજાર ડોલર એટલે કે લગભગ 37 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઈઓ નીક હોકલેએ કહ્યું કે પેટ કમિન્સ અને બ્રેટ લીએ ગત અઠવાડિયે અમારું હ્રદય જીતી લીધુ જ્યારે તેમણે ભારતની મદદ માટે પૈસા દાન કર્યા. તે ભાવનામાં અમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન અને યુનિસેફ ઓસ્ટ્રેલિયા સાથે ધન ભેગુ કરવાનું કામ કરી રહ્યા છીએ.

કમિન્સ અને બ્રેટ લીએ કર્યું હતું દાન

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઈઓ નીક હોકલેએ કહ્યું કે  અમે ભારતના લોકોને સહાયતા કરીશું. ઓક્સિજન, ટેસ્ટિંગ કિટ, અને રસીની સાથે હેલ્થ સિસ્ટમ ઉપર પણ કામ કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે પણ ભારતની મદદ માટે 37 લાખ રૂપિયા પીએમ કેર્સ ફંડમાં દાન કર્યા હતા. પેટ કમિન્સ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ લગભગ 41 લાખ રૂપિયા દાન કર્યું હતું.

(4:27 pm IST)