Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગાવસકરની કેપ, કપિલદેવની હસ્તકલા, રવિ શાસ્ત્રીની કોચિંગ-કિટની હરાજી થશે

ક્રિસ્ટ્રીઝ વર્તમાન ઑનલાઇન ઑક્શનમાં વેચાણ માટે મુકાશે

મુંબઈ : લિટલ માસ્ટર તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના દિગજ્જ ઓપનર ખેલાડી સુનીલ ગાવસકરે 1971માં ઇંગ્લેન્ડના પ્રવાસમાં જે કેપ પહેરી હતી એની તેમ જ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર તથા વર્તમાન ટીમ ઇન્ડિયાના હેડ-કોચ રવિ શાસ્ત્રીએ દાનમાં આપેલી કોચિંગ-કિટની ક્રિસ્ટીઝ વર્તમાન ઑનલાઇન ઑક્શનમાં વેચાણ માટે મૂકવામાં આવશે. ગાવસકરે પોતાની ટોપી પર અને શાસ્ત્રીએ કોચિંગ-કિટ પર ઑટોગ્રાફ આપેલો છે. તાજેતરમાં જ હૃદયરોગના હુમલા બાદ ઍન્જિયોપ્લાસ્ટી કરાવનાર મહાન ઑલરાઉન્ડર કપિલ દેવે જાણીતા આર્ટિસ્ટ રણબીર કાલેકાની મદદથી કેટલીક હસ્તકલાનું સર્જન કર્યું હતું અને એ કલાને પણ આ ઑક્શનમાં વેચાણ માટે મૂકવામાં આવશે.

હરાજીનો આ કાર્યક્રમ 27મી ઑકટોબરે શરૂ થયો હતો જેમાં બે પ્રકારના કલેક્શન રાખવામાં આવ્યા છે: સર જ્યોફરી બોયકોટ કલેક્શન અને ટી-ટ્વેન્ટી ચેરિટી ક્રિકેટ. આ હરાજીમાં માઇકલ હોલ્ડિંગના ટી-શર્ટ ઉપરાંત ઇયાન બોથમની 1981ની હેડિંગ્લી ખાતેની પ્રખ્યાત ઍશિઝ ટેસ્ટ સંબંધિત ચીજોથી માંડીને 2019ના વન-ડેના વર્લ્ડ કપ્ની ચીજોનો સમાવેશ છે. ઇંગ્લેન્ડના બોયકોટે જે 100મા બેટથી જે ઍશિઝ ટેસ્ટમાં યાદગાર સદી (191 રન) ફટકારી હતી એ બેટનો પણ હરાજીમાં સમાવેશ છે. આ બેટ અંદાજે 30,000થી 50,000 પાઉન્ડ (29થી 48 લાખ રૂપિયા)માં વેચાશે એવું માનવામાં આવે છે.

(1:32 pm IST)