Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

પોરબંદરનું ગૌરવ દિવ્યાંગ ભીમાભાઇ ખૂંટી ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર : આજે વિકલાંગ દિન છે અને પોરબંદરના દિવ્યાંગ ભીમાભાઇ ખુંટી ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે સફળતા પુર્વક જવાબદારી સંભાળી રહેલ છે. તેઓ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી છે.

ભીમાભાઇ ખુંટીનો જન્મ પોરબંદર જીલ્લાના બેરણ ગામમાં થયો હતો. બેરણ ગામ એટલે તે સમયે માત્ર ૪પ૦ની વસ્તી ધરાવતુગામ એટલે તે સમયે બેરણ ગામની બીજા ગામમાં જવુ હોય તો ત્યાં વાહન વ્યવહારની સુવિધા પણ ના હતી.

ભીમાભાઇએ જણાવેલ કે જયારે નાનો હતો ત્યારે પપ્પા જોડે રેડીયોમાં કોમેન્ટ્રી સાંભળતો અને જયારે જયારે ભારતની ટીમની હાર થતી ત્યારે મને રાત ભર નિંદર ન આવતી અને હું જાગતી આખોએ સપના જો તો કે  જો હું આજે દિવ્યાંગ ના હોત તો ભારતની ક્રિકેટ ટીમ તરફથી રમતો હોત અને ભારતની ટીમને હારવા ન દેત પણ આ ખુલી આંખના સપના પુરા કરવા અશકય હતા કારણ કે ભીમાભાઇ નાનપણમાં જ પોલીયોની બીમારીને કારણે બંન્ને પગ ગુમાવી ચુકયા હતા. પણ કોઇ સારા માણસે લખ્યુ છે કે સપના હંમેશા જોવા જોઇએ કારણ કે જે લોકો સપના જુવે છે તે લોકો પુરા દિલથી તે સપના સાકાર કરવા મહેનત કરે છે તે લોકોના સપના જરૂર પુરા થાય છે.

ભીમાભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ર૦૧૪-૧પમાં સોશિયલ મીડીયા મારફતે જાણવા મળ્યુ હતુ કે પહેલી વખત ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમનું સિલેકશન આગ્રા ખાતે થવા જઇ રહયુ છે આ વાત સાંભળીને ભીમાભાઇની ખુશીનો કોઇ પાર ન રહયો અને મનમાં મનમાં વિચારવા લાગ્યા કે આ મોકો છે જીંદગીમાં કાંઇક કરી બતાવવાનો અગર આ મોકો હાથમાંથી નીકળી ગયો તો જીંદગીમાં આવા મોકો આવત નહી અને જીંદગીભર પસ્તાવા સિવાય હાથમાં કશુ રહેશે નહી અને તે સમયે નિર્ણય લીધો હતો. જેમાં એક મોટો નિર્ણય હતો કે પોતાના ઘરના સભ્યોથી અગેન્સ જઇને પોતાનું ઘર છોડીને પોરબંદર  શિફટ થઇ રહયો હતો અને આ નિર્ણયથી ભીમા ભાઇને  વ્હીલચેર ક્રિકેટ પ્રેકટીશ પોરબંદર સિવાય પોશીબલ ના હતી એટલે ભીમાભાઇએ પોરબંદર સીફટ થઇ ગયા. સિલેકશન આડે માત્ર ૪ મહિનાનો સમય રહી ગયો હતો અને બીજી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો હજુ બાકી હતો. જેમાંની એક મોટી મુશ્કેલી તો એ હતી કે વ્હીલચેર ક્રિકેટનું સિલેકશન આપવા જવાનું છે તે વિલચેર જ ભીમાભાઇ પાસે ન હતી એટલે કોઇ સંસ્થા પાસેથી ભીમાભાઇએ વ્હીલચેર માંગી તો કોઇ પાસેથી બેટ અને કોઇ પાસેથી હેલમેટ અને પેડ અને અહીથી ભીમાભાઇની સફળતાની શરૂઆત થાય છે અને પછી તો ભીમાભાઇએ કયારે પાછુ વાળીને જોયુ નથી.

ભીમાભાઇ અત્યાર સુધીમાં ૪ ઇન્ટરનેશનલ સિરીઝ રમી ચુકયા છે. જેમાં નેપાળ, બાંગલાદેશ, મલેશીયા અને લાસ્ટટાઇમ દુબઇમાં જઇ પાકિસ્તાનને ૩-૦થી હરાવીને આવ્યા છે. અને ભીમાભાઇ ખુંટી ૩૦ જેટલી નેશનલ ટુર્નામેન્ટોમાં પણ ભાગ લઇ ચુકયા છે અને હાલ ભીમાભાઇ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી તેમજ ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન પણ છે. ચાલો આપણે ભીમાભાઇના રેકોર્ડમાં  જોઇએ તો નેશનલ ટુર્નામેન્ટમાં ભીમાભાઇએ પંજાબ ખાતે લગાતાર ત્રણ મેચમાં ત્રણ ફિફટી મારવાનો રેકોર્ડ બનાવે છે અને ઇન્ટરનેશનલ રેકોર્ડની વાત કરીએ તો ર૦૧૬-૧૭માં નેપાળ સામે ટી-ર૦ મેચમાં પ વિકેટો ઝડપીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરેલ છે.

(1:10 pm IST)