Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રોનાલ્ડો ૮૦૦ ગોલના કલબમાં: વિશ્વનો પ્રથમ ફુટબોલર બન્યો

આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૮૪ મેચમાં ૧૧૫ ગોલ ફટકાર્યાઃ મેસ્સી અને ભારતના સ્ટાર ફુટબોલર સુનીલ છેત્રીના નામે ૮૦ ગોલ

નવી દિલ્હીઃ દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.  તે ૮૦૦ ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.  માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટ્રાઈકર રોનાલ્ડોએ આર્સેનલ સામે ૨ ગોલ કરીને આ સિદ્ધિ મેળવી હતી.  હવે તેના ૮૦૧ ગોલ છે.   આ મેચમાં માન્ચેસ્ટર યુનાઈટેડએ આર્સેનલને ૩-૨થી હરાવ્યું હતું.  રોનાલ્ડોએ મેચનો પહેલો ગોલ ૫૨મી મિનિટે અને બીજો ગોલ ૭૦મી મિનિટે પેનલ્ટી દ્વારા કર્યો હતો.  આ સાથે તેનો ગોલ આંકડો ૮૦૧ થઈ ગયો.  બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલે માટે એવો પણ દાવો કરવામાં આવે છે કે તેણે ૧૦૦૦થી વધુ ગોલ કર્યા છે.  જો કે, આ માટે કોઈ સત્તાવાર આંકડો નથી.  રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે ૮૦૧ ગોલમાંથી ૧૩૦ ગોલ કર્યા છે.  તે બીજી વખત આ કલબ માટે રમી રહ્યો છે.  તેણે રિયલ મેડ્રિડ માટે ૪૫૦ ગોલ કર્યા છે. આ સ્ટ્રાઈકરે જુવેન્ટસ માટે ૧૦૧ ગોલ કર્યા છે.  રોનાલ્ડોએ પોર્ટુગલ તરફથી રમતા ૧૧૫ ગોલ કર્યા છે.  જ્યારે તેણે ર્સ્પોટિંગ લિસ્બન માટે ૫ ગોલ કર્યા છે.   રોનાલ્ડો સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર ખેલાડી પણ છે. તેણે તાજેતરમાં ઈરાનના અલી દેઈનો ૧૦૯ ગોલનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૮૪ મેચમાં ૧૧૫ ગોલ કર્યા છે.  સક્રિય ફૂટબોલ ખેલાડીઓમાં લિયોનેલ મેસ્સી અને ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીના નામે ૮૦ ગોલ છે.

(4:29 pm IST)