Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વિરાટ, રહાણે અને પૂજારાએ જેટલા રન બનાવ્યા છે તેટલા રન તો એકલા જો રૂટે ફટકાર્યા છે

૨૦૧૯થી આજ સુધીના આંકડા જુઓ તો નવાઈ લાગશે

નવીદિલ્હીઃ જે ટીમમાં વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા છે... શું તે ટીમ બેટિંગમાં કયારેય નબળી સાબિત થઈ શકે છે? ૨૦૧૯ સુધી આ સવાલ પૂછવો પણ મજાક હતો, પરંતુ આજે તે હકીકત બની ગઈ છે.  ભારતીય મિડલ ઓર્ડરની આ ત્રિપુટી છેલ્લા બે વર્ષથી ખૂબ જ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહી છે.  રન બનાવવાનું તો દૂર, ક્રિઝ પર રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.  આ ત્રણેય બેટ્સમેન એક સમયે પોતપોતાની રીતે રન મશીન હતા, પરંતુ આજે આ ત્રણેયને જોડીને આ ખેલાડીઓ ભાગ્યે જ એક બેટ્સમેન જેટલા રન બનાવી શક્યા છે. 

જો ડિસેમ્બર ૨૦૧૯ થી લઈને આજ સુધીના આંકડાઓ જુઓ તો  નવાઈ લાગશે કે વિરાટ, રહાણે અને પૂજારાએ જેટલા રન બનાવ્યા છે તેટલા રન એકલા ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટના છે.  વિરાટ, પૂજારા-રહાણેએ સાથે મળીને માત્ર એક સદી સાથે ૨૫.૨૩ની સરેરાશથી (ડિસેમ્બર ૨૦૧૯થી) ૨૨૭૧ રન બનાવ્યા છે.  આ ત્રણેય ખેલાડીઓ મળીને ૧૨ વખત શૂન્ય પર આઉટ થયા છે.  બીજી તરફ, જો રૂટે ડિસેમ્બર ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૫૪.૮૫ની એવરેજથી ૨૨૪૯ રન બનાવ્યા છે, જેમાં ૬ સદીનો સમાવેશ થાય છે.  જો રૂટ માત્ર એક જ વખત શૂન્ય પર આઉટ થયો છે.

 દક્ષિણ આફ્રિકામાં પણ વિરાટ કોહલી-પુજારા અને રહાણેનું ખરાબ -દર્શન ચાલુ છે.  સેન્ચુરિયન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ સેટ થયા બાદ પોતાની વિકેટ આપી હતી.   રહાણે અને પુજારાની હાલત વધુ ખરાબ છે.  પૂજારાએ પણ છેલ્લા બે વર્ષથી સદી ફટકારી નથી, જ્યારે રહાણે દરેક રન માટે ઝંખે છે.  તેની વાઈસ કેપ્ટનશિપ પણ છીનવાઈ ગઈ છે અને જોહાનિસબર્ગ ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થયા બાદ તેની ટેસ્ટ કારકિર્દી પણ મોટી મુશ્કેલીમાં છે.

(2:34 pm IST)