Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

એશીઝમાં હારની નિરાશા અને ટીકાઓ વચ્ચે જો રૂટ ઇંગ્લેન્ડ વતી સૌથી વધુ ૬૦મી ટેસ્ટની કેપ્ટનશીપ કરશે

કાલથી ચોથો ટેસ્ટઃ નિષ્ણાંતો કહે છે બેન સ્ટોકસને કેપ્ટન બનાવો

નવી દિલ્હીઃ સિડનીમાં આવતી કાલે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ ટેસ્ટ-સિરીઝની ચોથી મૅચ (ભારતીય સમય મુજબ સવારે પાંચ વાગ્યાથી લાઈવ) શરૂ થશે. કાંગારૂઓ પહેલી ત્રણેય મેચ જીતીને ૩-૦થી વિજયી સરસાઈ મેળવી ચૂક્યા છે. કૅપ્ટન જો રૂટ સતત ચોથો પરાજય અને પછી ૦-પનો વાઇટવોશ ટાળવા મક્કમ છે.

 દરમ્યાન, એશિઝમાં બ્રિટિશ ટીમના રકાસને પગલે જ્યોફ બૉયકોટ, માઈકલ આથર્ટન, ઈયાન ચૅપલ અને રિકી પોન્ટિંગે કૅપ્ટન જો રૂટની ખૂબ ટીકા કરી છે. કેટલાક નિષ્ણાતો તો ૩૦ વર્ષના ઓલરાઉન્ડર બેન સ્ટોકસને સુકાન સોંપવાની વાત કરી રહ્યા છે, પણ ખુદ સ્ટોકસે સ્પષ્ટતા કરી હતી કે હાલના સંજોગોમાં હું કેપ્ટન રૂટ અને કોચ સિલ્વરવુડના પડખે છું અને મને કૅપ્ટન બનવાની કોઈ ઝંખના નથી.

 રૂટ આવતી કાલે ૬૦મી ટેસ્ટમાં કેપ્ટન્સી સંભાળશે એટલે તે ઈંગ્લેન્ડ વતી સૌથી વધુ ટેસ્ટમાં સુકાન સંભાળનારો ખેલાડી બનશે. તે ૫૯ મેચનો વિક્રમ ધરાવતા એલસ્ટર કુકને ઓળંગી જશે.

(2:35 pm IST)