Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સોશ્યલ મીડીયા પર તિરંદાજી સાથે સંકળાયેલી વાયરલ થઇ રહેલી આ છોકરી કોણ ?

નવી દિલ્હીઃ જાપાનની રાજધાની ટોક્યોમાં હાલ ઓલિમ્પિકનું આયોજન ચાલી રહ્યું છે. ખેલના મહાકુંભમાં જ્યાં કેટલીક મહિલાઓ પોતાના પ્રદર્શનના કારણે ચર્ચામાં છે તો કેટલીક પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું સ્થાન બનેલી છે. જોકે કેટલીક એવી પણ છે જેઓ ઓલિમ્પિકનો ભાગ નથી તો પણ લોકોએ તેને વાયરલ બનાવી દીધી છે.

 એવી જ એક છોકરી છે ત્ઝુયુ, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. તેને ટોક્યોના ઓલિમ્પિક સાથે જોડવામાં આવી રહ્યો છે. આ છોકરી હાલમાં ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. પરંતુ વાત કંઈક અલગ જ છે. આ છોકરીને ચીન, તાઈવાન સિવાય કોરિયાની તિરંદાજી ટીમનો ભાગ બતાવવામાં આવી રહી છે. ત્ઝુયુનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે તિરંદાજીની ગેમમાં ભાગ લઈ રહેલી જોવા મળે છે.

  કોઈ તેને કોરિયાની તિરંદાજ જણાવી રહ્યું છે તો કોઈ ચીનની. પરંતુ જણાવી દઈએ કે ત્ઝુયુનો ઓલિમ્પિક સાથે કોઈ લેવાદેવા નથી. બ્રાઝિલના એક પત્રકારે ટ્વીટ કરીને લખ્યું છે કે- મારા મિત્રને લાગ્યું કે ત્ઝુયુ તિરંદાજ છે અને તેણે આ વાયરલ ટ્વીટ મને મોકલ્યું હતું. મારે કહેવું પડ્યું કે ત્ઝુયુ એક આઈડલ છે અને તેણે આઈડલ સ્ટાર એથલેટિકસ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. ત્ઝુયુના આ તિરંદાજીનો વીડિયો તે સમયનો છે જ્યારે તેણે આઈએસએસીમાં ભાગ લીધો હતો.

(3:12 pm IST)