Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

આઇપીએલ સિઝનમાં ધમાકેદાર બેટીંગ કરનારા ભારતીય ટીમના ત્રણ દિગ્‍ગજ ખેલાડીઓએ ઓરેન્‍જ કેપ હાંસલ કરી હતી

નવી દિલ્હી: આઇપીએલમાં બેટ્સમેન દર વર્ષે ઘણા રેકોર્ડ બનાવે છે. એવું માનવામાં આવે છે કે, આ ટૂર્નામેન્ટમાં બોલર્સ રીતસરના ધોવાઇ જાય છે. બેટ્સમેન દરેક મેચમાં બોલર્સ પર ભારે પડે છે. આઇપીએલમાં પ્રેક્ષક પણ બેટ્સમેનની ફોર અને સિક્સ જોવાનું પસંદ કરે છે. મોટા સ્કોરવાળી મેચ પ્રેક્ષકોને ઘણી પસંદ આવે છે. જો કે, ઘણી વખત આઇપીએલમાં બોલરનો પણ દબદબો જોવા મળે છે પરંતુ મોટાભાગે બેટ્સમેન જ કમાલ દેખાડે છે.

વિદેશી બેટ્સમેન ઉપરાંત ભારતીય બેટ્સમેને પણ આઇપીએલમાં ધાકડ પ્રદર્શન ઘણી વખત આપ્યું છે. ભારતીય બેટ્સમેન આ ટૂર્નામેન્ટમાં ચાર ચાંદ લગાવવાનું કાર્ય કરે છે. ધાકડ બેટિંગ કરનાર ખેલાડી ટૂર્નામેન્ટમાં ઓરેન્જ કેપ પ્રાપ્ત કરે છે. દર સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન આ કેપને જીતે છે. આ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારમાંથી એક છે. આ મામલે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બાજી મારી છે. 12 ઓરેન્જ કેપમાંથી 6 કેપ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પાસે છે. ભારતીય ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ આઇપીએલમાં ઓરેન્જ કેપ હાંસલ કરી છે જેમનો ઉલ્લેખ આ આર્ટિકલમાં કરવામાં આવ્યો છે.

આઇપીએલમાં ઓરેન્જ કેપ જીતનાર 3 ભારતીય

સચિન તેંડુલકર

આ યાદીમાં સચિન તેંડુલકરે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ભારત તરફથી આઇપીએલમાં સૌથી પહેલા ઓરેન્જ કેપ સચિન તેંડુલકરે મેળવી હતી. સચિન તેંડુલકરે 2010ની આઇપીએલ દરમિયાન 15 મેચમાં 618 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરને આ સીઝનમાં સૌથી વધુ રન બનાવવા માટે ઓરેન્જ કેપથી નવાજવામાં આવ્યા હતા. સચિન તેંડુલકરનો સ્ટ્રાઇક રેટ 130થી ઉપર હતો અને હાઇ સ્કોર નોટઆઉટ 89 રન હતો. ત્યારબાદ જ અન્ય ભારતીય ખેલાડીઓને આ એવોર્ડ મળ્યો હતો.

રોબિન ઉથપ્પા

રોબિન ઉથપ્પાએ આઇપીએલમાં કેકેઆરની ટીમ તરફથી રમી ઓરેન્જ કેપ પર કબજો જમાવ્યો હતો. 2014ના આઇપીએલમાં રમવામાં આવેલી 16 મેચમાં તેણે 660 રન બનાવ્યા હતા. આ તે સીઝન છે જેમાં કેકેઆરની ટીમે ખિતાબ પણ જીત્યો હતો. રોબિન ઉથપ્પાનો હાઇ સ્કોર તે સમયે નોટઆઉટ 83 રન હતો. 138ની સ્ટ્રાઇક રેટથી રન બનાવતા રાબિન ઉથપ્પાએ દરેક ટિમના બોલર્સની ધોલાઇ કરી હતી.

વિરાટ કોહલી

વિરાટ કોહલીએ 2016ની આઇપીએલમાં શાનદાર બેટિંગ કરી આ ટૂર્નામેન્ટમાં એકલા હાથે આરસીબીને ફાઇનલ સુધી પહોંચાડી હતી. 16 મેચમાં તેણે 973 રન બાવ્યા હતા અને ઓરેન્જ કેપ જીતી હતી. સીઝન શરૂ થયા પહેલા તેના નામે આઇપીએલમાં એક પર સદી ન હતી પરંતુ ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તેના નામે 4 સદી હતી. જો કે, આ શાનદાર બેટિંગ બાદ પણ તેની ટીમે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

(4:18 pm IST)