Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

પહેલવાનોએ તિરંગો લહેરાવ્‍યોઃ મેડલ ટેલીમાં ભારત ટોપ ફાઈવમાં

કોમનવેલ્‍થ ગેમ્‍સ દિવસ-૯: બજરંગ પુનિયાની આગેવાનીમાં કુસ્‍તીમાં ખેલાડીઓનું કમાલનું પ્રદર્શન : બજરંગ પુનિયા- દિપક પુનિયા- સાક્ષી મલિકે ગોલ્‍ડ જીત્‍યાઃ અંશુ મલિકને સિલ્‍વરઃ ૯ ગોલ્‍ડ, ૮ સિલ્‍વર અને ૯ બ્રોન્‍ઝ મેડલ સાથે ભારતના ખાતામાં કુલ ૨૬ મેડલઃ અત્‍યાર સુધીના ઈતિહાસમાં આપણે કુસ્‍તીમાં ૧૦૦થી વધુ મેડલ જીત્‍યા છે

બર્મિંઘમઃ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્‌ છે. અત્‍યાર સુધી ગેમ્‍સમાં  ભારતને ૯ ગોલ્‍ડ સહિત ૨૬ મેડલ મળી ચૂકયા છે. બજરંગ પૂનિયાની આગેવાનીમાં કુશ્‍તીના ખેલાડીઓએ નવમાં દિવસે કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ખેલાડીઓએ ૩ ગોલ્‍ડ સહિત ૬ મેડલ પોતાના નામે કર્યા હતા. બજરંગ સિવાય દીપક પૂનિયા અને મહિલા કેટેગરીમાં સાક્ષી મલિકે ગોલ્‍ડ મેડલ જીત્‍યો હતો. જો કે અંશુ મલિકે સિલ્‍વર મેડલ જીત્‍યો છે. આ ખેલાડીઓના પ્રદર્શનના દમ પર ભારત મેડલ ટેલીમાં ટોપ-૫માં આવી ગયું છે. ભારતે અત્‍યાર સુધીમાં ૯ ગોલ્‍ડ, ૮ સિલ્‍વર અને ૯ બ્રોન્‍ઝ મેડલ જીત્‍યા છે અને તે પાંચમાં સ્‍થાને છે. ઓસ્‍ટ્રેલિયા ૫૦ ગોલ્‍ડ મેડલ સાથે ૧૪૦ મેડલ જીતી ટોચના સ્‍થાને છે.

ટોકયો ઓલિમ્‍પિકમાં બ્રોન્‍ઝ મેડાલિસ્‍ટ બજરંગ પૂનિયાએ ૬૫ કિગ્રા વેટ કેટેગરીમાં બધા હરીફોને પછાડયા હતા. આ પહેલા તેણે ૨૦૧૮માં ગોલ્‍ડ કોસ્‍ટમાં પણ ગોલ્‍ડ જીત્‍યો હતો. ફાઇનલમાં તેણે કેનેડાના લાલચાન મેકનીલને ૯-૨થી હરાવ્‍યો હતો. ગેમ્‍સના ઇતિહાસમાં જોવામાં આવે તો ભારત કુશ્‍તીમાં ૧૦૦થી વધારે મેડલ જીતી ચુકયું છે.

દીપક પૂનિયાએ પાકિસ્‍તાનના મોહમ્‍મદ ઇનામને પુરૂષોની ૮૬ કિલો ફ્રીસ્‍ટાઇલ વર્ગમાં ૩-૦થી હરાવીને ગોલ્‍ડ જીત્‍યો છે. જ્‍યારે મહિલા કેટેગરીમાં સાક્ષી મલિકે ૬૨ કિગ્રાની ફાઇનલમાં કેનેડાની એના ગોંડિનેજ ગોંજાલેસને હરાવી ગોલ્‍ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાક્ષીનો કોમનવેલ્‍થ ગેમ્‍સમાં પ્રથમ ગોલ્‍ડ છે.

અંશુ મલિકે મહિલા કેટેગરીના ૫૭ કિગ્રા વર્ગમાં સિલ્‍વર મેડલ જીત્‍યો છે. તેનો ફાઇનલમાં નાઇજીરિયાની ઓડુમાયો અદેકુઓરોયે સામે ૪-૬થી પરાજય થયો હતો. મહિલા પહેલવાન દિવ્‍યા કાકરાને ૬૮ કિગ્રામાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો.

કોમનવેલ્‍થ-૨૦૨૨માં વેઇટલિફિં્‌ટગમાં મીરાબાઇ ચાનૂ, જેરેમી લાલરિનુનગા, અંશિતા શેઉલીએ ગોલ્‍ડ જીત્‍યો છે. લોન બોલ્‍સમાં મહિલા ટીમે ગોલ્‍ડ પર કબજો જમાવી ઇતિહાસ રચ્‍યો છે. પુરૂષ ટેબલ ટેનિસ ટીમ અને પેરા પાવર લિફ્‌ટર સુધીરે પણ કમાલનું પ્રદર્શન કરતા ગોલ્‍ડ પોતાના નામે કર્યો હતો. ભારત અત્‍યાર સુધી વેઇટલિફિં્‌ટગમાં સૌથી વધારે ૧૦ મેડલ જીતી ચુકયું છે. જ્‍યારે કુશ્‍તીમાં અત્‍યાર સુધી ૬ મેડલ મળ્‍યા છે.

(3:35 pm IST)