Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ટીમ ઈન્ડિયાનો વટભેર વિજયઃ સિરીઝ પણ જીતી લીધી

મયંક મેન ઓફ ધ મેચ, અશ્વિન મેન ઓફ ધ સિરીઝ : અશ્વિન અને જયંત યાદવને ૪-૪ વિકેટઃ ભારતીય ખેલાડીઓનું ઓલરાઉન્ડ પ્રદર્શનઃ ચાર દિવસમાં જ રમત પૂર્ણ

મુંબઈ,તા.૬: ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને ૩૭૨ રનથી હરાવ્યું છે. ભારતે ન્યુઝીલેન્ડ સામે ૫૪૦ રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ કીવી ટીમ ૧૬૭ રન જ બનાવી શકી અને આ મેચ મોટા અંતરથી હારી ગઈ. ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત પણ છે.

ચોથા દિવસે ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને જયંત યાદવે રચિન રવિન્દ્રની ૧૮ રને વિકેટ મેળવી ટીમ ઈન્ડિયાને છઠ્ઠી સફળતા અપાવી હતી. રચિન રવિન્દ્રએ કાનપુરમાં રમાયેલી -થમ ટેસ્ટમાં કિવી ટીમને હારમાંથી તો બચાવી સાથે મેચ ડ્રો કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. રવિન્દ્ર અને હેનરી નિકોલ્સે છઠ્ઠી વિકેટ માટે ૯૦ બોલમાં ૩૩ રન જોડ્યા હતા.

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ૫૪૦ રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. તેની પ્રથમ ઇનિંગમાં ૩૨૫ રન બનાવ્યા બાદ, ભારતે આ મેચમાં તેની બીજી ઈનિંગ ૭ વિકેટે ૨૭૬ રન પર ડિકલેર કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર ૬૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં પણ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો આસાનીથી બેટિંગ કરી શક્યા ન હતા. ડેરીલ મિશેલે ચોક્કસપણે ૯૨ બોલમાં ૬૦ રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ૨૭ રનમાં ત્રણ અને ડાબોડી સ્પિનર અક્ષર પટેલે ૪૨ રનમાં એક વિકેટ લીધી હતી.૫૫ રનમાં ૩ વિકેટ ગુમાવ્યા બાદ ડેરીલ મિશેલ અને હેનરી નિકોલ્સે ન્યૂઝીલેન્ડની ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે ૧૧૧ બોલમાં ૭૩ રન જોડ્યા હતા. આ ભાગીદારીને અક્ષર પટેલે મિશેલને ૬૦ રને આઉટ કરીને તોડી હતી. મિશેલે ૯૨ બોલમાં ૬૦ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની બીજી અડધી સદી હતી.

આ પહેલા ટીમ ઈન્ડિયાએ ૨૭૬/૭ના સ્કોર પર બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ દાવમાં ૧૫૦ રન બનાવનાર ઓપનર મયંક અગ્રવાલ (૬૨ રન) બીજી ઈનિંગમાં પણ ટોપ સ્કોરર રહ્યો હતો. આ સાથે ચેતેશ્વર પુજારા (૪૭ રન) અને શુભમન ગિલ (૪૭ રન)એ પણ સારો સ્કોર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં તમામ ૧૦ વિકેટ લઈને ઈતિહાસ રચનાર એજાઝ પટેલે બીજી ઈનિંગમાં પણ ૪ વિકેટ ઝડપી હતી.

(3:34 pm IST)