Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

આઈપીએલ વર્કીંગ કમીટીમાં ભેદભાવઃ બધા સભ્યોને બદલે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે જ યોજાતી મીટીંગો

તમામ સભ્યોને ન બોલાવવા એ લોઢા કમિટિની ભલામણનું ઉલ્લંઘન અને સુપ્રીમની અવમાનના સમાનઃ સભ્યોનો રોષ

મુંબઈઃ આઈપીએલના સંચાલનમાં અહમ નિર્ણયો કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ લેવાય  રહ્યા છે. ઉપરાંત લોઢા સમિતિની ભલામણોને નજર અંદાજ કરી વર્કીગ કમિટિમાં કેટલાક સભ્યોને બોલાવાતા પણ નથી.

આઈપીએલ વર્કીંગ કમીટીની ગત સપ્તાહે મળેલ બેઠકમાં પણ બધા સભ્યોને બોલાવવા અંગેનો મુદ્દો ઉઠાવાઈ ચૂકયો છે. છતા પણ ફેન્ચાઈઝીઓ સાથેની મીટીંગમાં ફકત મુખ્ય પદાધિકારીઓને જ સામેલ કરાયેલ.

આ બેઠકમાં સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ હોવાથી વિશેષ આમંત્રીત તરીકે બોલાવામાં આવતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ પહેલીવાર નથી બન્યુ. છેલ્લી બેઠકમાં વર્કીંગ કમીટીના એક સભ્યએ મુદ્દો ઉઠાવતા જણાવેલ કે, ફેન્ચાઈઝીઓ સાથે જો વર્કીગ કમીટીની બેઠક હોય તો તમામ સભ્યોને બોલાવામાં આવે.

આ વાતનું અન્ય એક સભ્યએ પણ સમર્થન કર્યાનું જાણવા મળ્યું છે. જો કે ગત સપ્તાહની બેઠક બાદ બુધવારે યુએઈમાં આઈપીએલ માટે આવતી અડચણો દૂર કરવા બોલાવાયેલ બેઠકમાં ત્રણ દિવસ પહેલાના જ મુદ્દાનો છેદ ઉડાડી ફકત વર્કીગ કમીટીના ઉચ્ચ અધિકારીઓ જ હાજર રહેલ. એક સભ્યએ તો ત્યાં સુધી કહેલ કે બેઠકમાં તમામ સભ્યોને બોલાવવા અનિવાર્ય છે. નહીંતર તે લોઢા કમીટીની ભલામણોના ઉલ્લંઘનની સાથો- સાથ સુપ્રીમ કોર્ટની પણ અવમાનના ગણાશે. કમીટીના ચેરમેન બૃજેશ પટેલ છે, જયારે જય શાહ અને અરૂણ ધૂમલ બોર્ડના સભ્યો તરીકે કમીટીમાં સામેલ છે. ખૈરૂલ જમાલ મઝમુદાર ઉત્તર- પૂર્વી રાજયોના અને સુરેન્દ્ર ખન્ના ભારતીય ક્રિકેટર્સ એસો.ના સભ્યના રૂપે સામેલ છે. જયારે અલ્કા રેહાની ભારદ્વાજ સીએજી સભ્ય છે અને હેમાંગ અમીન આઈપીએલ  અને બોર્ડના વચગાળાના સીઈઓ હોવાથી કમીટીમાં સામેલ છે.

(2:42 pm IST)