Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

AFC મહિલા એશિયન કપ 2022: ભારતમાં 20 જાન્યુઆરીથી થશે આયોજિત : અહીં લાઈવ મેચ જોઈ શકાશે

નવી દિલ્હી: ડિસ્કવરી નેટવર્કની ટોચની સ્પોર્ટ્સ બ્રાન્ડ યુરોસ્પોર્ટ ઇન્ડિયાએ આગામી AFC વિમેન્સ એશિયન કપ 2022 માટેના પ્રસારણ અધિકારો પ્રાપ્ત કર્યા છે જે 20 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન ભારત દ્વારા યોજવામાં આવશે. ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (FSDL), જે ભારતીય ઉપખંડમાં એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) ની તમામ સ્પર્ધાઓના મીડિયા અધિકારોની માલિકી ધરાવે છે, તેણે યુરોસ્પોર્ટ ઇન્ડિયાને પ્રસારણ અધિકારો સોંપ્યા છે. આ ખંડીય ટૂર્નામેન્ટની 20મી સિઝનમાં 12 ટીમોને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવશે. યજમાન ભારત, ચીન, ચાઈનીઝ તાઈપેઈ અને ઈરાનને ગ્રુપ Aમાં જ્યારે ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયાને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. ગ્રુપ સીમાં જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, વિયેતનામ અને મ્યાનમાર છે. આ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાનાર 2023 ફિફા મહિલા વિશ્વ કપ માટે એશિયન ક્વોલિફિકેશનનો અંતિમ તબક્કો પણ હશે. ઓસ્ટ્રેલિયા સહ-યજમાન તરીકે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમો સીધા જ વર્લ્ડ કપમાં આગળ વધશે, જ્યારે બે ટીમો ઇન્ટર-કોન્ફેડરેશન પ્લે-ઑફમાં રમશે.

(5:23 pm IST)