Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઝડપી બોલર ઇશાંત શર્માની ૯૮ ટેસ્ટમાં ૩૦૦ વિકેટ : ત્રીજો ભારતીય બોલર

ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતીય બોલરની સિદ્ધિ : ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પણ ભારતીય ઝડપી બોલર ઇશાંત શર્માને સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી

ચેન્નાઈ, તા. ૮ : ચેન્નઇ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતના અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માએ વિકેટોની ત્રેવડી સદી નોંધાવી દીધી છે. ખરેખર ઇશાંત શર્મા ટેસ્ટ મેચોમાં સોમવારે ૩૦૦ વિકેટ લેનાર ભારતનો છઠ્ઠો ખેલાડી બનવાની સાથે મહાન ખેલાડી કપિલ દેવ અને અનિલ કુંબલેની ક્લબમાં સામેલ થઇ ગયો છે. ઇશાંત શર્મા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચેન્નઇમાં રમાઇ રહેલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે બીજી ઇનિંગમાં ડેનિયલ લોરેંસને એલબીડબલ્યુ આઉટ કરીને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ૩૦૦ વિકેટ લેનાર ત્રીજો ભારતીય ઝડપી બોલર બની ગયો છે. ભારતીય બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર મહાન સ્પિનર અનિલ કુંબલે (૧૩૨ મેચમાં ૬૧૯ વિકેટ)એ લીધી છે. જ્યારે કપિલ બીજા સ્થાને છે જ્યારે હરભજન સિંહ (૧૦૩ ટેસ્ટમાં ૪૧૭) આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ઇશાંત શર્માના ટીમના સાથી સ્પિનર રવિચંદ્રન અશ્વિન ચોથા અને ઝહીર ખાન પાંચમા સ્થાને છે.

જોકે દિલ્હીના ૩૨ વર્ષના આ ખેલાડીને આ સ્થાને પહોંચવામાં ૯૮ મેચ લાગી. આ ઉપલબ્ધિને હાંસલ કર્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડએ તેને શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઇ એ ટ્વીટ કર્યું, ઇશાંત શર્માને શુભેચ્છા, તેઓ ટેસ્ટમાં ૩૦૦ વિકેટ લેનાર ત્રીજા ભારતીય બોલર બન્યા છે. તેમણે ડેનિયલ લોરેંસને એલબીડબલ્યુ આઉટ કરી ઇંગ્લેન્ડને ત્રીજો ઝાટકો આપ્યો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પણ આ ઉપલબ્ધિ પર ઇશાંતની ૧૩ વર્ષની મહેનતની પ્રશંસા કરી ટ્વીટ કર્યું, કપિલ દેવ અને ઝહીર ખાન બાદ ટેસ્ટમાં ૩૦૦ વિકેટનો આંકડો આંબનાર ઇશાંત શર્મા ત્રીજો ભારતીય ઝડપી બોલર છે.

(8:46 pm IST)