Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મનુ ભાકરની બલ્લે...બલ્લે... ૪ ગોલ્ડ સહિત ૫ મેડલ જીત્યા

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ, મનુ ભાકર  હવે ગોલ્ડની લાઇન લગાવીને તેને ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. મનુએ અત્યાર સુધી ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ જીત્યા છે. જેમાંથી ચાર ગોલ્ડ છે. તેણે ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ઈવેન્ટનું ચોથો ગોલ્ડ જીત્યો હતો. આ ઇવેન્ટમાં તેમની સાથે રિધમ સાંગવાન અને નમાયા કપૂર પણ હતા, જે  શાનદાર ફોર્મમાં છે.

 ભારત અત્યાર સુધી નવ ગોલ્ડ, આઠ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. યુએસ છ ગોલ્ડ મેડલ અને કુલ ૧૯ મેડલ સાથે બીજા ક્રમે છે. મનુ, રિધમ અને કપૂર માટે લડાઈ સરળ હતી. તેમણે ઝડપથી ૧૦.૪ ની લીડ લીધી અને ઝડપી ફાયર શોટ બાદ લીડ વધીને ૧૬.૪ થઈ ગઈ. કવોલિફિકેશનમાં પણ ભારતીય ટીમ સ્કોર ૮૭૮ પોઇન્ટ સાથે ટોપ પર હતી. બીજા રાઉન્ડમાં પણ ટોપર બનીને ગોલ્ડ મેડલ મેચમાં જગ્યા બનાવી લીધી હતી.  પુરુષોની ૨૫ મીટર રેપિડ ફાયરમાં છ ખેલાડીઓમાંથી ત્રણ ભારતીય હતા. આદર્શ સિંહ સિવાય, જોડિયા ભાઈઓ ઉદયવીર અને વિજયવીર સિદ્ધુએ પણ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. કવોલિફિકેશનમાં ઉદયવીર ૫૭૭ ના સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યો, જ્યારે આદર્શ ૫૭૪ના સ્કોર સાથે પાંચમા ક્રમે રહ્યો. વિજયવીર ૫૭૨ના સ્કોર સાથે છઠ્ઠા સ્થાને રહ્યો. જોકે, વિજયવીર અને ઉદયવીર ફાઈનલમાંથી સૌથી પહેલા બહાર થયા હતા.

(3:52 pm IST)