Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વિજય હઝારે ટ્રોફી :જમ્મુ-કાશ્મીર સામે ગુજરાતની 5 વિકેટે વિજય સાથે શરુઆત

ભાર્ગવ મેરાઇની અણનમ ફિફટી: ચેતન ગાજાની 4, હેમાંગ પટેલની 3 વિકેટ

મુંબઈ :વિજય હજારે ટ્રોફીનો પ્રારંભ થઇ ચુક્યો છે. આજે ગુજરાત અને જમ્મુ કાશ્મીર વચ્ચે મુંબઇમાં મેચ રમાઇ હતી. ગૃપ-એ સ્ટેજની આ મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભાર્ગવ મેરાઇ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. ગુજરાતના બોલર ચેતન ગાજા અને હેમાંગ પટેલના આક્રમણ સામે કાશ્મિરી ટીમ માત્ર 171 રનનો સ્કોર કરીને સમેટાઇ ગઇ હતી. જવાબમાં ગુજરાતે 5 વિકેટ ગુમાવીને 172 રન કરી મેચ જીતી લીધી હતી.

ગુજરાતની ટીમના કેપ્ટન હેત પટેલે  ટોસ જીતીને રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી, જે યોજના સફળ નિવડી હતી. કાશ્મીરની ટીમ પત્તાના મહેલની માફક ધરાશયી થઇ હતી. જોકે 7 વિકેટ 87 રન પર ગુમાવ્યા બાદ પણ પરવેઝ રસૂલે ટીમના સ્કોર બોર્ડને ઉપર લઇ જવા લડાયક મૂડ જારી રાખી રાખ્યો હતો. તેના અર્ધશકતને પગલે ટીમે 150 પ્લસ સ્કોર કર્યો હતો. જે શરુઆતમાં ટીમ 100 ના સ્કોરની આસપાસ ઓલઆઉટ થઇ જાય એમ લાગી રહ્યુ હતુ.

 

રસૂલે 76 રન કર્યા હતા. જ્યારે ઓપનર વિવ્રંત શર્માએ 21 અને આકીબ નબીએ 27 રન કર્યા હતા. જેને લઇ ટીમ 42.1 ઓવર સુધીમાં 171 રનના સ્કોર પર પહોંચી શકી હતી. ગુજરાતના બોલરોની જબદરસ્ત બોલીગ સામે કાશ્મિરી બેટ્સમેનોએ ખરાબ શરુઆત કરી હતી અને રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

ગુજરાતની ટીમના ઓપનરોએ અપેક્ષા મુજબ રમત દર્શાવી નહોતી. ઓપનર ધ્રુવ રાવલ (9) અને કરણ પટેલ (18) બંને એ ઝડપ થી પેવેલિયનનો રસ્તો માપી લીધો હતો. ગુજરાતે પ્રથમ વિકેટ 16 રનના સ્કોર પર અને બીજી વિકેટ કરણના રુપમાં 36 રને ગુમાવી હતી. જોકે ભાર્ગવ મેરાઇ (57)એ શાનદાર રમત દર્શાવી હતી. તેણે પિચ પર લાંબો સમય પસાર કરવા સાથે ટીમની જીત સુધી રમત રમી હતી. તેણે કેપ્ટન હેત પટેલ (21) સાથે મળીને સ્કોર બોર્ડને આગળ ચલાવ્યુ હતુ. રાહુલ શાહ (11) રન આઉટ થયો હતો. તેના બાદ રિપલ પટેલે (33) રનની ઇનીંગ ધમાકેદાર રમી હતી. તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને જીતને ઝડપથી નજીક લાવી દીધી હતી. ગુજરાતે 36.5 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર કરી લીધુ હતુ. મેરાઇ અને પિયુષ ચાવલા (9) અણનમ રહ્યા હતા.

(9:26 pm IST)