Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દેશમાં કોરોનાના કહેર વચ્ચે આઇપીએલ જંગનો પ્રારંભ :ગૌતમ,શાહરૂખ, અઝહરૂદ્દીન, મૉરિસ સહિતના 10 ખેલાડીઓ પર ક્રિકેટ રસિકોની નજર

રિલે મેરેદિથ,ચેતન સાકરીયા , કૃષ્ણપ્પા ગૌતમ, ફિન એલનસહિતના ક્રિકેટરો દાખવશે કૌવત

મુંબઈ : દેશભરમાં COVIDના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021નો પ્રારંભ થઇ રહ્યો છે. આજથી IPL14નો પ્રારંભ થઇ રહ્યો છે. 45 દિવસમાં 56 મેચ દરમિયાન 8 ફ્રેન્ચાઇઝીઓમાં ક્વોલિફાઇ કરવાનો જંગ જોવા મળશે. આ જંગ દરમિયાન કેટલાક ખેલાડીઓ પર સૌની ખાસ નજર રહેશે. આ 10 ખેલાડીઓ જે આ વખતે સૌથી વધુ ચર્ચામાં રહેશે

1- રિલે મેરેદિથ (પંજાબ કિંગ્સ)

આ ઓસ્ટ્રેલિયન બોલરને પંજાબે 8 કરોડ રૂપિયાની બોલી લગાવી પોતાની ટીમમાં સામેલ કર્યા છે. રિલેની બોલિંગ સ્પીડ 150 કિમી પ્રતિ કલાકથી વધુ રહે છે. 2020-21 બિગ બેશ લીગ દરમિયાન મેરેદિથે 13 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. આ કારણથી પંજાબે તેમણે ટીમનો ભાગ બનાવ્યો છે. હવે જોવુ પડશે કે આ ઓસ્ટ્રેલિયન પેસર આઇપીએલમાં કેવુ પ્રદર્શન કરે છે.

2- ચેતન સકરિયા (રાજસ્થાન રોયલ્સ)

સૌરાષ્ટ્ર તરફથી રમનારા ચેતન સકરિયાને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચેતનની બેસ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી. સકરિયાને ખરીદવા માટે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે બોલી લાગી રહી હતી. UAEમાં ગત IPL સીઝન દરમિયાન ચેતન સકરિયા RCBનો નેટ બોલર હતો. ચેતનનું પ્રદર્શન સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન સારૂ રહ્યુ છે, તેણે 5 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. ચેતન સકરિયાનો ઇકોનોમી રેટ 4.90નો છે. મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે સૌથી વધુ ડોટ બોલ ફેક્યા હતા. એવામાં IPL 2021માં તેમનું પ્રદર્શન કેવુ રહેશે તે જોવુ રહ્યુ.

3. શાહરૂખ ખાન (પંજાબ કિંગ્સ)

પંજાબ કિંગ્સે 5.25 કરોડની બોલી લગાવીને શાહરૂખ ખાનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. શાહરૂખ ખાન આક્રમક બેટિંગ માટે પણ જાણીતો છે. તમિલનાડુ તરફથી રમનારા ઓલરાઉન્ડર શાહરૂખે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2020માં સારૂ પ્રદર્શન કર્યુ હતું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં શાહરૂખે 19 બોલમાં 40 રનની અણનમ ઇનિગ્સ રમી હતી અને પોતાની ટીમને ફાઇનલમાં પહોચાડી હતી, શાહરૂખે 4 મેચમાં 220ના સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા હતા. આ કારણે પંજાબે શાહરૂખ ખાનમાં રસ દાખવ્યો છે.

4. મોહમ્મદ અઝહરૂદ્દીન (RCB)

કેરળના ઇમર્જિગ પ્લેયર મોહમ્મદ અઝહરૂદ્દીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ વિકેટકીપર અને બેટ્સમેને મુંબઇ વિરૂદ્ધ 20 બોલમાં પોતાની અડધી સદી અને 37 બોલમાં સદી ફટકારી હતી, તે મેચમાં તેણે 54 બોલમાં 137 રન બનાવ્યા હતા જેમાં 11 સિક્સર અને 9 ફોર સામેલ હતી.

5. કૃષ્ણપ્પા ગૌતમ (CSK)

32 વર્ષના કૃષ્ણપ્પા ગૌતમે ચેન્નાઇ સુપરકિંગ્સે 9.25 કરોડ રૂપિયાની રેકોર્ડ કિંમત પર ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી. ગૌતમ આઇપીએલમાં સૌથી વધુ કિંમતમાં ખરીદવામાં આવેલો અનકેપ્ડ ભારતીય ખેલાડી છે. ગૌતમે અત્યાર સુધી ભારત માટે કોઇ મેચ રમી નથી. ચેન્નાઇ સુપરકિંગ્સે ગૌતમને હરભજન સિંહની ભરપાઇ માટે ટીમમાં સામેલ કર્યો છે.

6. ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ)

આઇપીએલના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો છે. આઇપીએલની 70 મેચમાં 157.88ના સ્ટ્રાઇક રેટથી 551 રન બનાવનારા મોરિસે 7.81ના ઇકોનોમી રેટથી 80 વિકેટ પણ ઝડપી છે. ગત સિઝનમાં મોરિસ RCBનો ભાગ હતો. મોરિસ સારો ઓલ રાઉન્ડર છે પરંતુ આ વખતે રેકોર્ડ હરાજીને કારણે તેના પ્રદર્શન પર તમામની નજર રહેશે.

7. ગ્લેન મેક્સવેલ (RCB)

ગત વર્ષે એટલે કે આઇપીએલ 2020માં કઇ ખાસ પ્રદર્શન ના કરનારા મેક્સવેલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14.25 કરોડ રૂપિયા દાંવ પર લગાવ્યા છે. એવામાં તમામની નજર મેક્સવેલના પ્રદર્શન પર રહેશે. ગત સિઝનમાં તેણે 13 મેચમાં કુલ 108 રન બનાવ્યા હતા અને માત્ર 1 વિકેટ ઝડપી શક્યો હતો, તેમ છતા મેક્સવેલ માટે CSK અને RCB એ હરાજી દરમિયાન કડક મુકાબલો કર્યો અને RCBએ 14.25 કરોડ રૂપિયામાં તેણે ખરીદી લીધો હતો. મેક્સવેલ ગત સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી રમતો હતો, તે સમયે તેણે પંજાબ તરફથી 10.75 કરોડ રૂપિયા મળ્યા હતા.

8. રિષભ પંત અને સંજુ સેમસન (DC અને RR)

આ વખતે દિલ્હી કેપિટલ્સે 23 વર્ષીય રિષભ પંતને અને રાજસ્થાન રોયલ્સે 26 વર્ષના સંજુ સેમસનને કેપ્ટન બનાવ્યા છે. પંતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ગત 6 મહિનામાં જે રીતનું પ્રદર્શન કર્યુ છે, તેનાથી આશા વધી ગઇ છે. બીજી તરફ સંજુ સેમસન પ્રથમ વખત જોસ બટલર, બેન સ્ટોક્સ જેવા દિગ્ગજ ખેલાડીઓની આગેવાની કરશે. એવામાં IPL14 દરમિયાન આ બન્ને પ્લેયરની કેપ્ટન્સીની સાથે સાથે પરફોર્મન્સ પર પણ તમામની નજર રહેશે.

9. ફિન એલન (RCB)

આ આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી ફિલ એલન રમતો જોવા મળશે. ફિન આક્રમક બેટિંગ માટે જાણીતો છે. પાવર પ્લે દરમિયાન તેનુ પ્રદર્શન સારૂ છે, તેણે પોતાની કરિયરમાં અત્યાર સુધી 15 ટી-20 મેચ રમી છે પરંતુ પોતાની વિસ્ફોટક બેટિંગથી દરેકને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. એલને 50 ઓવરની ઘરેલુ ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીમાં 59 બોલમાં 128 રનની ઇનિંગ્સ પણ રમી છે. આ દરમિયાન તેણે 11 સિક્સર અને 9 ફોર ફટકારી હતી. બીજી તરફ અત્યાર સુધી 5 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચુકેલા એલનનો ટી-20માં 182.23નો સ્ટ્રાઇક રેટ રહ્યો છે.

10. વૈભવ અરોરા (KKR)

કોલકાતા નાઇટ રાઇડર્સે વૈભવ અરોરાને ટીમમાં સામેલ કર્યો છે. હિમાચલ પ્રદેશ તરફથી રમનારા આ યુવા ફાસ્ટ બોલરે ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યુ છે, તેણે રણજી ટ્રોફીની પોતાની ડેબ્યૂ મેચમાં ચેતેશ્વર પૂજારાને ક્લિન બોલ્ડ કર્યો હતો. વૈભવે તાજેતરમાં પોતાનું ડેબ્યૂ ડોમેસ્ટિક વન ડે મેચમાં હેટ્રિક ઝડપી હતી. વિજય હઝારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર વિરૂદ્ધ વૈભવે હેટ્રિક ઝડપી હતી. વૈભવ અત્યાર સુધી 6 ટી-20 મેચ રમી ચુક્યો છે અને 10 વિકેટ પોતાના નામે કરી ચુક્યો છે. હવે પ્રથમ વખત આઇપીએલ રમનારા વૈભવ પર તમામની નજર રહેશે.

(6:38 pm IST)