Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું કોરોનાથી અવસાન થયું

જાન્યુઆરીમાં ભાઈ ગુમાવ્યો હતો : આઈપીએલ ૨૦૨૧માં ચેતન સકારિયાએ ૭ વિકેટ મેળવી હતી, પહેલા ચેતન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતો હતો

નવી દિલ્હી,તા.૯ : રાજસ્થાન રોયલ્સનના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાના નિધનના સમાચાર મળી રહ્યા છે. કાતિલ કોરોના વાયરસે તેમના પિતાની જિંદગી છીનવી લીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે આ અંગે પુષ્ટી કરી છે. તેમણે કહ્યું છે કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ. ફ્રેન્ચાઈઝીએ લખ્યું છે કે આ ખુબ જ પીડાની સાથે સૂચિત કરવું પડી રહ્યું છે કે કાંજીભાઈ સકારિયા કોરોનાથી જંગ હારી ગયા છે. અમે ચેતન સકારિયાના સંપર્કમાં છીએ.

   આ કઠીન સમયમાં તેમને અને તેમના પરિવારને હર સંભવ સહાયતા પ્રદાન કરશે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીજન દરમિયાન ચેતન સકારિયાને જ્યારે જાણવા મળ્યું કે તેમના પિતા કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે તેમણે તરત જ પોતાની સેલેરી પિતાની સારવાર માટે મોકલી આપી હતી. સકારિયાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારના એક માત્ર કમાનાર સભ્ય છે. આઈપીએલથી મળેલા પૈસાના કારણે જ તેમના પિતાની સારવાર સંભવ થઈ શકી હતી. ઉલ્લેખનીય છે કે આઈપીએલ ૨૦૨૧માં ચેતન સકારિયાએ ૭ વિકેટ મેળવી હતી. જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન તેણે પોતાના ભાઈને ખોયો હતો. આ સમયે ચેતન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતો હતો. ભાવનગરમાં જન્મેલા ૨૩ વર્ષીય ચેતન સાકરીયા, જેના પિતા બે વર્ષ પહેલાં ઓટો ચલાવતા હતા, સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રથમ મેચ રમ્યા હતા અને રાજસ્થાન રોયલ્સના બોલિંગ એટેકની પસંદગીના રૂપમાં બહાર આવ્યા હતા. ક્રિકેટરે કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલ સહિત ૩ વિકેટ ઝડપી હતી.

(7:29 pm IST)