Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ખેલાડીઓ ઉપર કરે છે રૂપિયાનો વરસાદઃ સદી ફટકારે તો પાંચ લાખ અને બેવડી સદી ફટકારે તો ૭ લાખ બોનસઃ બોલર પાંચ વિકેટ ઝડપે તો ૫ લાખ રૂપિયા બોનસ મળે

નવી દિલ્હીઃ આ વાત બધા લોકો જાણે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પોતાના પુરૂષ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરે છે. એક ખેલાડીને વાર્ષિક કરાર હેઠળ એક કરોડથી શરૂ કરી ગ્રેડ પ્રમાણે સાત કરોડ રૂપિયા સુધી મળે છે. આ સાથે મેચ ફી અને બોનસ અલગથી ખેલાડીઓને મળે છે. જો કોઈ બેટ્સમેન સદી કે બેવડી સદી ફટકારે અથવા કોઈ બોલર પાંચ વિકેટ ઝડપે તો તેને વધારાના પૈસા બીસીસીઆઈ આપે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે ઘણા સમયથી બોનસ સ્કીમ શરૂ કરી છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા પ્રમાણે, જો કોઈ બેટ્સમેન સદી ફટકારે તો તેને બોનસ તરીકે પાંચ લાખ રૂપિયા મળે છે. કોઈ બેટ્સમેન બેવડી સદી ફટકારે તો તેને 7 લાખ રૂપિયા બોનસ મળે છે. બોલર માટે પણ બોનસ સ્કીમ છે. તે હેઠળ કોઈ બોલર ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપે તો તેને 5 લાખ રૂપિયા બોનસના રૂપમાં મળે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વાર્ષિક કરાર તરીકે એ પ્લસ કેટેગરીમાં આવતા ખેલાડીઓને વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે, જ્યારે એ કેટેગરીમાં સામેલ ખેલાડીઓને 5 કરોડ રૂપિયા મળે છે. તો બી કેટેગરીમાં આવતા ખેલાડીઓને 3 કરોડ અને સી કેટેગરીમાં આવતા ખેલાડીઓને વર્ષે એક કરોડ રૂપિયા મળે છે.

તો ભારતીય ક્રિકેટ બોર્ડ એક ટેસ્ટ મેચ માટે એક ખેલાડીને મેચ ફી તરીકે 15 લાખ રૂપિયા આપે છે, જ્યારે બેચ પર બેસનાર ખેલાડીને 7.5 લાખ રૂપિયા મળે છે. તો એક વનડે માટે 6 લાખ રૂપિયાની મેચ ફી મળે છે. એક ટી20 આંતરરાષ્ટ્રીય માટે બીસીસીઆઈ ખેલાડીઓને મેચ ફી તરીકે 3 લાખ રૂપિયા આપે છે. આ સિવાય દૈનિક ભથ્થુ પણ મળે છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ કોઈ મોટી ઈવેન્ટ (આઈસીસી વર્લ્ડ કપ, ટી20 વિશ્વકપ, એશિયા કપ, કોઈ મોટી ટેસ્ટ સિરીઝ) જીતે છે તો ઈનામી રાશિમાં વધારો કરવામાં આવે છે. વર્ષ 2007 ટી20 વિશ્વકપમાં જ્યારે યુવરાજ સિંહે છ સિક્સ ફટકારી હતી ત્યારે બીસીસીઆઈએ તેને એક કરોડ રૂપિયાની રકમ અલગથી આપી હતી.

(4:52 pm IST)