Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી પાંચમા સ્થાને ધકેલાઇ ગયો

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં હારથી વિરાટને ફટકો : ઈંગ્લેન્ડનો સુકાની બે સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે આવી ગયો, બોલર્સ રેક્નિંગમાં બુમરાહ-અશ્વિનને લાભ થયો

દુબઈ, તા. ૧૦ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી ટેસ્ટ ક્રિકેટ રેક્નિંગમાં મોટો ફટકો પડ્યો છે. બેટ્સમેન રેક્નિંગમાં કોહલીને ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પાંચમાં સ્થાને ધકેલી દીધો છે જ્યારે રૂટ બે સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે આવી ગયો છે. જ્યારે બોલર્સ રેક્નિંગમાં જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને ફાયદો થયો છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ૧૧ અને ૭૨ રનની ઈનિંગ્સ રમનારા કોહલી પાસે ૮૫૨ પોઈન્ટ છે અને તેને એક સ્થાનનું નુકસાન થયું છે. બોલર્સ રેક્નિંગમાં સ્પિનર અશ્વિન અને બુમરાહને એક-એક સ્થાનનો ફાયદો થયો છે અને તે બંને અનુક્રમે સાતમાં અને આઠમાં સ્થાને પહોંચી ગયા છે.

ચેન્નઈમાં ભારત સામે પ્રથમ ટેસ્ટમાં પોતાની ટીમને ૨૨૭ રને વિજય અપાવવામાં મહત્વનો ભાગ ભજવનારો જો રૂટ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે અને તે ૮૮૩ પોઈન્ટ ધરાવે છે. આ ટેસ્ટ વિજયથી ઈંગ્લેન્ડની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની આશા પણ જીવંત રહી છે. ભારતીય ઉપખંડોમાં રમાયેલી ત્રણ ટેસ્ટમાં ધમાકેદાર પ્રદર્શનની મદદથી રૂટ સપ્ટેમ્બર બાદ રેક્નિંગમાં તેના સર્વોચ્ચ ક્રમે પહોંચ્યો છે. તેણે શ્રીલંકામાં બે તથા ભારતમાં એક એમ કુલ ત્રણ ટેસ્ટમાં ૬૮૪ રન નોંધાવ્યા છે.

નવેમ્બર ૨૦૧૭ બાદ પ્રથમ વખત કોહલીથી આગળ આવેલો રૂટ હવે ટોચના સ્થાને રહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન કરતા ૩૬ પોઈન્ટ પાછળ છે. જ્યારે બીજા ક્રમે રહેલા સ્ટિવ સ્મિથ કરતા ફક્ત આઠ પોઈન્ટ પાછળ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન પણ ૮૭૮ પોઈન્ટ સાથે ટોપ-૫મા ચોથા ક્રમે છે. ટોપ-૧૦મા વિરાટ કોહલી સિવાય એકમાત્ર ચેતેશ્વર પૂજારા છે જે ૭૫૪ પોઈન્ટ સાથે સાતમાં સ્થાને છે.

બોલર્સ રેક્નિંગમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ૯૦૮ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે જ્યારે ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ ૮૩૦ પોઈન્ટ સાથે બીજા અને તેનો સાથી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ૮૨૬ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થયા બાદ એન્ડરસનનો આ સર્વોચ્ચ ક્રમાંક છે. રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહ અનુક્રમે સાતમાં અને આઠમાં ક્રમે છે.

(9:07 pm IST)