Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

આઇપીએલ ક્રિકેટ જંગઃ આજે બીજા મુકાબલામાં ગુરૂ અને શિષ્‍યની ટીમ વચ્‍ચે જંગઃ એમ.એસ. ધોની અને રિષભ પંતની અગ્નિપરીક્ષા

મુંબઈઃ આઈપીએલની 14મી સીઝનના બીજા મુકાબલામાં શનિવારે વાનખેડેમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો સામનો દિલ્હી કેપિટલ્સ (DC) સામે થશે. રિષભ પંતની આગેવાની વાળી દિલ્હીની ટીમ અનુભવી એમએસ ધોનીની ચેન્નઈનો સામનો કરશે. આ મુકાબલો એક યુવા અને એક અનુભવી વચ્ચે રમાશે. ભારતીય સમયાનુસાર મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.

દિલ્હીની ટીમ યૂએઈમાં રમાયેલી છેલ્લી સીઝનની ફાઇનલમાં હારી હતી. આ વખતે ટાઇટલ જીતવાનું સપનું પૂરુ કરવા તેણે જીત સાથે પ્રારંભ કરવો પડશે.

ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પાછલા વર્ષે પોઈન્ટ ટેબલમાં સાતમાં ક્રમે રહી હતી. તેણે પોતાના ખરાબ પ્રદર્શનને ભૂલીને નવી શરૂઆત કરવી પડશે.

દિલ્હી અને ચેન્નઈના આંકડા શું કહે છે?

આઈપીએલના રેકોર્ડની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધી 23 મુકાબલા રમાયા છે. ચેન્નઈએ 15 મેચ જીતી તો દિલ્હીને 8 વખત સફળતા મળી છે. છેલ્લી પાંચ મેચમાંથી ચેન્નઈએ ત્રણમાં જીત મેળવી છે.

ધવન-શો કરી શકે છે ઓપનિંગ

દિલ્હીની પાસે શિખર ધવન, પૃથ્વી શો, રહાણે, સ્મિથ અને પંત જેવા બેટ્સમેન છે. ધવન (618) પાછલી સીઝનમાં સર્વાધિક રન બનાવવામાં બીજા સ્થાને રહ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં રમાયેલી વનડે સિરીઝમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ હતું. પૃથ્વી શોએ વિજય હઝારે ટ્રોફીમાં 800થી વધુ રન ફટકાર્યા હતા.

કેપ્ટન પંત પણ શાનદાર ફોર્માં છે અને તે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે મેચ વિનર સાબિત થયો હતો. દિલ્હીની પાસે માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર અને સેમ બિલિંગ્સ પણ છે.

ચેન્નઈને મજબૂતી આપશે આ ખેલાડી

ચેન્નઈની ટીમમાં રૈનાની વાપસી થઈ છે. જે આઈપીએલમાં 5368 રન બનાવી ચુક્યો છે. તે સૌથી વધુ રન બનાવવા મામલે બીજા સ્થાને છે. ચેન્નઈની પાસે ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ અને રાયડૂ પણ છે.

યુવા સેમ કરન, ધોની અને મોઇન અલી મધ્યમક્રમમાં મજબૂતી આપશે. બોલિંગમાં શાર્દુલ શાનદાર ફોર્મમાં છે. દીપક ચાહર અને જાડેજા બેટ અને બોલથી યોગદાન આપી શકે છે.

આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ધોની

ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, સુરેશ રૈના, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, સેમ કરન, જાડેજા, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, લુંગી એન્ગિડી, ઇમરાન તાહિર.

દિલ્હીની પ્લેઇંગ ઇલેનવ

શિખર ધવન, પૃથ્વી શો, સ્ટીવ સ્મિથ, રિષભ પંત, માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, અક્ષર પટેલ, ક્રિસ વોક્સ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ.

(4:41 pm IST)