Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જુલાઇ મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ ટી૨૦ અને વન-ડે સિરીઝ રમવા માટે શ્રીલંકા જશેઃ વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ નહીં જાડાય

નવી દિલ્હીઃ જુલાઈ મહિનામાં ભારતીય ટીમ વનડે અને ટી20 સિરીઝ રમવા માટે શ્રીલંકા જશે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ વાતની જાણકારી આપી છે. ભારતીય ટીમ આ પ્રવાસ પર ત્રણ વનડે અને પાંચ ટી20 મેચોની સિરીઝ રમશે. ગાંગુલીએ જણાવ્યુ કે, આ પ્રવાસે જનારી ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડી સામેલ થશે નહીં. કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવા માટે ઈંગ્લેન્ડ જશે. ત્યારબાદ ટીમે 4 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે.

સૌરવ ગાંગુલીએ જણાવ્યુ કે, જુલાઈના મહિનામાં ભારતની સીનિયર ટીમ ટી20 અને વનડે સિરીઝ રમવા માટે શ્રીલંકા જશે. ગાંગુલીએ જણાવ્યુ કે, શ્રીલંકા વિરુદ્ધ રમાનારી સિરીઝમાં ઈંગ્લેન્ડ ગયેલા ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં અને યુવા ખેલાડીઓને શ્રીલંકા મોકલવામાં આવશે. એટલે કે શ્રીલંકાના પ્રવાસ પર વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ જોવા મળશે નહીં. તેવામાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, પૃથ્વી શો જેવા ખેલાડીઓને પોતાની ક્ષમતાને દેખાડવાની તક મળશે. તો ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શિખર ધવન પણ આ સિરીઝ રમવા જઈ શકે છે.

શુક્રવારે બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે ઈજાગ્રસ્ત હનુમા વિહારીને પણ ફરી ટીમમાં તક મળી છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન છતાં પૃથ્વી શો ટીમમાં વાપસી કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ સિવાય હાર્દિક પંડ્યાને પણ ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

(4:48 pm IST)