Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

બેડમિન્ટનના ઈતિહાસમાં ભારતે ઓલમ્પિકમાં માત્ર બે ચંદ્રક જીત્યા છેઃ સિંદ્ધુ ફરી પદકની દાવેદાર

નવી દિલ્હી, તા., ૧૦ :ઓલમ્પિકના ઈતિહાસમાં ભારતે બેડમિન્ટનમાં માત્ર ૨ ચંદ્રક જીત્યા છે. આ બન્ને ચંદ્રકો મહિલા શટલરોએ અપાવ્યા છે. ટોકિયોમાં સૌની નજર ફરીથી રીઓમાં રજત ચંદ્રક વિજેતા પી.વી. સિંદ્ધુ પર હશે. ભારતીય પુરૂષ શટલરો પણ ચંદ્રક મેળવી ઈતિહાસ રચવાની કોશિષ કરશે.

ટોકિયોમાં પી.વી. સિંદ્ધુ મહિલા સિંગલ્સમાં ભારત તરફથી પડકાર રજૂ કરશે. ઈજાના કારણે રીયોની ચેમ્પિયન કેરોલીના મારીન ઓલમ્પિકમાંથી હટી ગઈ છે. જેનો ફાયદો પી.વી. સિંદ્ધુને મળી શકે છે. સિંદ્ધુને સરળ ડ્રો મળ્યો છે. છઠ્ઠો ક્રમાંક ધરાવતી સિંદ્ધુ ગ્રુપ-જે માં સામેલ છે. છેલ્લા ૬ મહિનાથી તેણી લંડનમાં પ્રેકટીશ કરી રહી છે.

૨૦૧૨માં સાઈનાએ કાંસ્ય પદક અને ૨૦૧૬માં સિંદ્ધુએ રજત ચંદ્રક જીત્યો હતો. આ વખતે ટોકિયોમાં મહિલા સિંગલ્સમાં પી.વી. સિંદ્ધુ, પુરૂષ સિંગલ્સમાં બી.સાઇ પ્રણીત, પુરૂષ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી, સાત્વીક સાઇરાજ, રેન્કી રેડ્ડી મેદાનમાં ઉતરશે.

પ્રણીત પુરૂષ સિંગલ્સમાં એક માત્ર ભારતીય ખેલાડી હશે. ૧૩ મો ક્રમાંકીત પ્રણીતને ગૃપ ડીમાં જગ્યા મળી છે. તે નેધરલેન્ડના માર્ક કાલજોઉ અને ઇઝરાયેલના મિશા ઝીલ્બરમેન સામે ટકરાશે.

(3:32 pm IST)