Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

IPL મુલત્વી થવા અંગે ખુલાસો : દિલ્હી અને અમદાવાદની પ્રેકિટસ સમયગાળા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંધન થયાની આશંકા

નવી દિલ્હી, તા. ૧૧ : કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ચેપ લાગ્યાં બાદ IPL 2021 ને મુલત્વી રાખવામાં આવી હતી. હવે તેને સ્થગિત રાખવાનું કારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, BCCI દ્વારા IPLના બીજા તબક્કા માટે દિલ્હી અને અમદાવાદની પસંદગી કરવામાં આવી હતી. જયાં પ્રેકિટસ માટે વધુ સારી સુવિધાઓ ન હતી. આશંકા છે કે, આ સમયગાળા દરમિયાન કોવિડ-૧૯ પ્રોટોકોલનું ઉલ્લંદ્યન થયું હતું અને ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આ બધા કારણોસર લીગને ૨૯ મેચ બાદ સ્થગિત કરવી પડી હતી.

આ સમગ્ર મામલા સાથે સંકળાયેલા બીસીસીઆઈના એક અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, બોર્ડ અને રાજય ક્રિકેટ એસોસિએશનો માને છે કે, દિલ્હી અને અમદાવાદમાં બીજા ચરણની મેચો યોજવાનો નિર્ણય ખોટો હતો. દરેક શહેરમાં ચાર ટીમો હતી, મુખ્ય મેદાન સિવાય, જે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ હતી અને જયાં લીગ મેચ પણ યોજાઇ હતી. બાકીની પ્રેકિટસ માટે જે મેદાન માટે પૂરા પાડવામાં આવ્યા હતા. ત્યાં લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવે તેવી શકયતા હતી.

દિલ્હીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોશનઆરા કલબના ગ્રાઉન્ડમાં પ્રેકિટસ કરી હતી. તે જ સમયે, અમદાવાદમાં હાજર ટીમે સુવિધાઓના અભાવે ગુજરાત કોલેજના મેદાનમાં પ્રેકિટસ કરવી પડી હતી. આ બંને શહેરોમાં પ્રેકિટસના મેદાનો ભીડવાળા અથવા શહેરના જૂના ભાગોમાં હતા.

BCCI ના અધિકારીએ જણાવ્યું કે, મોટેરામાં નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના ગ્રાઉન્ડ હજી સંપૂર્ણ રીતે તૈયાર નથી થયા. પ્રેકિટસ દરમિયાન ખેલાડીઓ અહીં મોટા શોટ રમી શકે નહીં. જેથી ટીમોએ ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં પ્રેકિટસ કરવા જવું પડ્યું હતું અને તેમાં જોખમ હતું. કારણ કે માળી, સુરક્ષા કર્મચારીઓ અને અન્ય દ્યણા સ્ટાફ પહેલાથી જ ત્યાં જ હતા અને ખેલાડીઓના ચેપ લાગવાની સંભાવના વધારે હતી. કોલકાતા નાઈટ રાઇડર્સ સિવાય અન્ય બે ટીમોએ આ ગ્રાઉન્ડ પર પ્રેકિટસ કરી હતી. બાદમાં KKR ના ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદની જેમ દિલ્હીની રોશનઆરા કલબ પણ ગીચ વિસ્તારમાં હતી. જે રોગચાળાના સમયમાં પ્રેકિટસ માટે યોગ્ય નહોતું. અહીં પણ સ્થાનિક સ્ટાફ ફરજ પર હતો, જે ખેલાડીઓને સંક્રમિત કરી શકે. જે હોટલની પાસે IPL ની ટીમો દિલ્હીમાં રોકાઈ હતી. તેની પાસે જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટી ગ્રાઉન્ડ હતી. જે એકદમ સલામત હતું અને તેનું ડ્રેસિંગરૂમ પણ સારું હતું. પરંતુ પિચમાં ચોક્કસપણે સમસ્યા હતી. કદાચ આ જ કારણે ટીમોએ રોશનઆરા કલબ ખાતે પ્રેકિટસ સેશન કર્યું હતું.

IPL 2021ના બીજા ચરણમાં દિલ્હી અને અમદાવાદમાં IPLની કુલ ૨૦ મેચો રમાવાની હતી. જેમાંથી અમદાવાદમાં ૧૨ અને દિલ્હીમાં ૮ યોજાવાની હતી. જોકે, IPL સ્થગિત થતા પહેલા દિલ્હીમાં ચાર અને અમદાવાદમાં પાંચ મેચો યોજાઈ ચુકી હતી. ઉપરાંત મુંબઈ અને ચેન્નઈમાં કુલ ૨૦ મેચો રમાઈ ચુકી હતી.

(3:10 pm IST)