Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ઋતુરાજની બેટીંગમાં ઘણો સુધારો થયોઃ ધોની

આ સિઝનમાં પાંચ ફીફટી ફટકારી ઓરેન્જ કેપ માટે પ્રબળ દાવેદાર

નવીદિલ્હીઃ આઈપીએલના પહેલા કવોલિફાયરમાં ધોનીની સુપર કિંગ્સે ઋષભ પંતની દિલ્હીને ૪ વિકેટે હરાવી હતી. યલો જર્સી સાથે આ ટીમના વિજયમાં તેના ઓપનર ઋતુરાજ ગાયકવાડે મહત્વની ભૂમિકા ભજવી હતી. જેણે ૫૦ બોલમાં ૭૦ રન બનાવ્યા હતા. જેમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સામેલ હતા. ગાયકવાડને તેની ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મેચ પૂરી થયા બાદ ધોનીએ કહ્યું, જ્યારે પણ હું અને ઋતુરાજ વાત કરીએ છીએ, તે માત્ર એક સામાન્ય વાતચીત હોય છે. પરંતુ, તે સમય દરમ્યાન મારો ઉદ્દેશ તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનું હોય છે. તે શું વિચારી રહ્યો છે? ઋતુરાજ આવો જ ખેલાડી છે જે ૨૦ ઓવર સુધી બેટિંગ કરવાનું પસંદ કરે છે. મને એ જોઈને આનંદ થયો કે તેની રમતમાં ઘણો સુધારો થયો છે. ઋતુરાજે ધોનીને તેની સફળતાનો શ્રેય આપતા કહ્યું કે તેઓ હંમેશા મને પ્રોત્સાહિત કરે છે. જે મને વધુ સારી રીતે રમવા માટે પ્રેરિત કરે છે. તેઓ મને દરેક મેચ વિશે એક જ વાત કહે છે, જાઓ અને રમત પૂરી કરો. ધોનીના આત્મવિશ્વાસની અસર ઋતુરાજના પ્રદર્શન પર પણ દેખાઈ રહી છે. અને, આનો પુરાવો એ છે કે, મને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. સૌથી વધુ ૬ મેન ઓફ ધ મેચ જીતનાર ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. તેના પછી માઈક હસી બીજો ખેલાડી છે, જે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ ૪ મેન ઓફ ધ મેચ જીત્યો છે. ઋતુરાજ  આ વખતે ઓરેન્જ કેપ  જીતવા માટે પ્રબળ દાવેદાર છે. ફાફ ડુ પ્લેસિસ સાથે તેણે ઓપનીંગ જોડી તરીકે ખૂબ કમાલ કર્યો છે. તે પ્રથમ આવી ઓપનિંગ જોડી બની છે, જેના બેટ્સમેનોએ એક સિઝનમાં ૫ અથવા વધુ અડધી સદી ફટકારી છે.

(3:05 pm IST)