Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જવાબદારી સાથે બેઈમાની નથી કરવી : વિરાટ કોહલી

કોહલીના સુકાનીપદ છોડવાના નિર્ણયથી ચાહકો નિરાશ : નેતૃત્વ છોડવાના નિર્ણય પાછળ વર્ક લોડ મુખ્ય કારણ, દરેક કામને ૧૨૦ ટકા ધગશ સાથે કરવા વિરાટની ઈચ્છા

દુબઈ,  તા.૧૧ : વિરાટ કોહલીએ તાજેતરમાં જ ભારતીય ટી ૨૦ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ જણાવ્યું કે ટી-૨૦ વર્લ્ડ કપ પછી તે ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેશે અને આઈપીએલની આ સીઝન પછી બેંગ્લોરની કેપ્ટનશિપ છોડી દેશે. કોહલીના આ નિર્ણયથી તેના ફેન્સ ઘણાં નિરાશ છે અને ચોંકી પણ ગયા છે.

વિરાટ કોહલીએ આખરે પોતાના આ નિર્ણય પર ચુપ્પી તોડી છે. કોહલીએ જણાવ્યું કે આ નિર્ણય લેવા માટેનું મુખ્ય કારણ વર્કલોડ મેનેજમેન્ટ છે. ભારતીય કેપ્ટને સ્ટાર સ્પોર્ટ્સને આપેલા એક ઈન્ટર્વ્યુમાં કહ્યું કે તે ઈચ્છે છે કે પોતાના દરેક કામને ૧૨૦ ટકા ધગશ સાથે કરે. કોહલીએ કહ્યું કે, સૌપ્રથમ વર્કલોડ મુખ્ય કારણ છે. હું મારી જવાબદારીઓ પ્રત્યે બેઈમાની કરવા નથી માંગતો. જો હું કોઈ કામમાં ૧૨૦ ટકા નથી આપી શકતો તો હું એ લોકોમાંથી નથી જે તેને પકડી રાખે. આ વાત મારા દિમાગમાં હંમેશાથી સ્પષ્ટ રહી છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૩ની આઈપીએલ સીઝનમાં બેંગ્લોરની કેપ્ટનશિપ સંભાળી હતી. આ પહેલા ડેનિયલ વિટોરી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના સુકાની હતા. આ દરમિયાન બેંગ્લોરની ટીમ ચાર વાર પ્લેઓફમાં પહોંચી હતી. વર્ષ ૨૦૧૬માં આરસીબીની ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. ૩૨ વર્ષીય વિરાટ કોહલીએ ખુલાસો કર્યો છે કે તે આ સીઝન પછી બેંગ્લોરની ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. અત્યારે વિરાટ કોહલીનો પ્રયત્ન છે કે પોતાની ટીમને આઈપીએલની ટ્રોફી જીતાડે અને પહેલીવાર ચેમ્પિયન બનાવે.

ચોક્કસપણે વિરાટ કોહલી આગામી સીઝનમાં બેંગ્લોરના કેપ્ટન નહીં હોય, પણ તેણે સ્પષ્ટતા કરી છે કે તે અંતિમ મેચ સુધી આરસીબી સાથે રમવાનું પસંદ કરશે. આ પરથી લાગી રહ્યું છે કે વર્ષ ૨૦૨૨માં થનારા મેગા ઓક્શનમાં ટીમ કોહલીને રીટેન કરશે.

(7:23 pm IST)