Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ઈજાને લીધે વોશિંગ્ટન સુંદરના પ્રવાસમાં જોડાવા અંગે આશંકા

ઝિમ્બાબ્વેના પ્રવાસે જનારી ભારતીય ટીમને આંચકોઃ બે વર્ષોથી વૉશિંગટન સુંદર ઇજાથી પરેશાન, તાજેતરમાં જ કાઉન્ટી ક્રિકેટમાં ફરીથી મેદાન પર વાપસી કરી હતી

મુંબઈ, તા.૧૧: આગામી ૧૮ ઓગસ્ટથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ શરૃ થવા જઇ રહી છે, ભારતે અહીં ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે, પરંતુ આ સીરીઝ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદર ઝિમ્બાબ્વે માટે રવાના થતા પહેલા ઇજાગ્રસ્ત થઇ ગયો છે. સુંદરની ઇજા કેટલી ગંભીર છે એ વાત હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શકી. આની સાથે સુંદરના ઝિમ્બાબ્વે વિરુદ્ધ સીરીઝમાં રમવા પર ખતરો ઉભો થયો છે.

લગભગ છેલ્લા બે વર્ષોથી વૉશિંગટન સુંદર ઇજાથી પરેશાન છે. તાજેતરમાં જ કાઉન્ટી ક્રિકેટમાં ફરીથી મેદાન પર વાપસી કરી હતી. પરંતુ હવે ફરી એકવાર ઇજા પહોંચતા ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

રિપોર્ટ અનુસાર, વૉશિંગટન સુંદર રૉયલ લંડન વનડે કપમાં લંકાશર અને વૉર્સેસ્ટરશયરની વચ્ચે રમાઇ રહેલી મેચમાં ભાગ લઇ રહ્યો હતો, ફિલ્ડિંગ કરતા સુંદર ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. મેચમાંથી બહાર થવુ પડ્યુ હતુ. સુંદરની ટીમે આ વાતની જાણકારી આપી હતી. સુંદર ભારતીય ટીમમાં બેટ અને બૉલ બન્નેથી ખુબ મોટુ યોગદાન આપી રહ્યો છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચ ૧૮ ઓગસ્ટે રમાશે. તો બીજી મેચ ૨૦ ઓગસ્ટે રમાશે જ્યારે ત્રીજી મેચ ૨૨ ઓગસ્ટે રમાશે. ભારત-ઝિમ્બાબ્વે શ્રેણીની તમામ મેચો હરારેમાં રમાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કેએલ રાહુલ આ શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ સિરીઝ મેન્સ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ હશે. નોંધનીય છે કે આગામી ૫૦ ઓવરનો વર્લ્ડ કપ (વર્લ્ડ કપ ૨૦૨૩) ભારતમાં રમાનાર છે. હાલમાં ઝિમ્બાબ્વે મેન્સ વર્લ્ડ કપ સુપર લીગમાં ૧૨મા નંબર પર છે. જ્યારે આ લીગમાં ૧૩ ટીમો છે. ઝિમ્બાબ્વેની ટીમે અત્યાર સુધી ૧૫ મેચ રમી છે, પરંતુ ૩ મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમ છેલ્લી વખત ઝિમ્બાબ્વે ગઈ હતી ત્યારે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. તે પ્રવાસમાં, ભારતીય ટીમે ૩ ODI અને ૩ ટી૨૦ મેચોની શ્રેણી રમી હતી.

 

 

 

(9:58 pm IST)