Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

KKRનો માલિક શાહરૂખ ખાન હતાશ ચાહકોની માફી માગી

મુંબઈ  સામે આઈપીએલમાં કોલકાતાનો પરાજય : કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર ખેલાડી આંદ્રે રસેલે પણ ટીમના માલિકના અભિપ્રાયને સમર્થન આપ્યું

નવી દિલ્હી, તા. ૧૪ : હાલમાં રમાઈ રહેલી આઈપીએલ ટુર્નામેન્ટમાં મંગળવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં કોલકાતાના થયેલા પરાજયથી આ ટીમના ચાહકો સ્તબ્ધ છે.

કોલકાતાએ જીતની બાજી હારમાં પલટી નાંખી હતી. કારણકે મુંબઈના ૧૫૩ રનના લક્ષ્યાંકના જવાબમાં કોલકાતા એક સમયે વગર વિકેટે ૭૨ રન કર્યા હતા અને એ પછી કોલકાતાની બેટિંગ લાઈન-અપ પત્તાના મહેલની જેમ ઢળી પડી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ ૧૪૨ જ રન બનાવી શકી હતી.

જોકે એ પછી કેકેઆરના માલિક અને બોલીવૂડ સુપર સ્ટાર શાહરુખ ખાને ચાહકોની માફી માંગી છે. શાહરુખે કહ્યુ હતુ કે, બહુજ નિરાશાજનક પ્રદર્શન રહ્યુછે. તમામ ચાહકોની હું માફી માંગુ છું.

દરમિયાન કોલકાતાના સ્ટાર પ્લેયર અને ઓલ રાઉન્ડર આન્દ્રે રસેલને આ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેણે પણ કહ્યુ હતુ કે, શાહરુખખાને જે પણ કહ્યુ છે તેનુ હું સમર્થન કરુ છું પણ આ ક્રિકેટની રમત છે. જેમાં છેલ્લી ઘડી સુધી નિશ્ચિત કશું હોતુ નથી. આજના પ્રદર્શનથી અમે નિરાશ છે પણ આગળ ઘણી મેચો રમવાની છે. આજની હારમાંથી અમારે શીખવાની જરુર છે. ક્યારેક ઝડપથી વિકેટો પડી જાય છે તે પછી નવા બેટસમેનો માટે બેટિંગ કરવી આસાન નથી હોતી અને અમારી સાથે આવુ જ થયુ હતુ.

(8:05 pm IST)