Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મિક્સ્ડ માર્શલ આર્ટસ ફાઈટર મેકગ્રેગર કમાણીમાં ટોચ ઉપર

ક્રિકેટર, ફૂટબોલ ખેલાડીઓને કમાણીમાં પછાડ્યા : મેકગ્રેગર મિક્સ માર્શલ આર્ટસનો ફાઈટર છે, ૨૦૨૦ના વર્ષમાં ૧૩૨૪ કરોડની કમાણી કરી નંબર વન સ્થાન પર

લંડન, તા. ૧૪ : સામાન્ય રીતે રમત જગતમાં ક્રિકેટરો, ફૂટબોલ પ્લેયર્સ, ટેનિસ સ્ટાર અને ગોલ્ફના ખેલાડીઓ કમાણી કરવામાં આગળ રહેતા હોય છે.જોકે ૨૦૨૦માં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓના ફોર્બ્સ મેગેઝિને જાહેર કરેલા લિસ્ટમાં મિક્સ્ડ માર્શલ આર્ટસ ફાઈટર કોનોર મેકગ્રેગર તમામ રમતોના ખેલાડીઓને પછાડીને ટોપ પર રહ્યો છે.

મેકગ્રેગર ફાઈટર છે અને મિક્સ માર્શલ આર્ટસની રમતમાં રિંગમાં પ્લેયરો વચ્ચે લોહીયાળ જંગ જામતો હોય છે.આ રમતમાં મેકગ્રેગર ટોપ પર છે પણ હવે કમાણી કરવામાં તેણે બીજી લોકપ્રિય રમતના ખેલાડીઓને પાછળ રાખી દીધા છે.૨૦૨૦ના વર્ષમાં મેકગ્રેગરે ૧૩૨૪ કરોડ રુપિયાની કમાણી કરીને નંબર વન સ્થાન મેળવ્યુ છે.

ગયા વર્ષે આયરલેન્ડના આ ખેલાડીએ માત્ર એક જ મુકાબલામાં ભાગ લીધો હતો.જેમાં જીતવા બદલ ૨૨ મિલિયન ડોલર એટલે કે ૧૬૨ કરોડ રુપિયા જેટલી રકમ તેને મળી હતી.આ સિવાય તેની મેદાન બહારની કમાણી ૧૫૮ મિલિયન ડોલર એટલે કે ૧૧૬૨ કરોડ રુપિયા રહી છે.

મેકગ્રેગર ટેનિસ પ્લેયર ફેડરર અને ગોલ્ફર ટાઈગર વૂડસ પછીનો એવો ત્રીજો ખેલાડી છે જેણે એક વર્ષમાં ૫૧૫ કરોડ રુપિયાથી વધારે કમાણી મેદાન બહારથી કરી છે.મેકગ્રેગર સહિત ચાર ખેલાડીઓ એવા છે જેમણે ૨૦૨૦ના વર્ષમાં ૧૦૦ મિલિયન ડોલર એટલે કે ૭૩૫ કરોડ રુપિયાથી વધારે કમાણી કરી છે.જેમાં દિગ્ગજ ફૂટબોલ સ્ટાર મેસી અને રોનાલ્ડો પણ સામેલ છે.

સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં ૯૫૬ કરોડ રુપિયા સાથે મેસી બીજા સ્થાને અને ૮૮૨ કરોડ રુપિયા સાથે રોનાલ્ડો ત્રીજા સ્થાને છે.ગયા વર્ષે આ લિસ્ટમાં ટોપ પર રહેનાર ફેડરર આ વખતે સાતમા નંબરે છે.સૌથી વધુ કમાણી કરનારા દસ ખેલાડીઓ આ પ્રમાણે છે.

(7:50 pm IST)