Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

બીસીસીઆઇએ પૂર્વ મહિલા-પુરૂષ ક્રિકેટર્સ અને પૂર્વ અમ્‍પાયર્સનું માસિક પેન્‍શન વધારીને ડબલ કર્યુ

આઇપીએલ મીડિયા રાઇટસના ધનવર્ષા બાદ

મુંબઇ, તા.૧૪: ઈન્‍ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ થી ૨૦૨૭ માટેના મીડિયા અધિકારોની ઈ-હરાજી કરવામાં આવી છે. આઇપીએલના ટીવી રાઇટ્‍સ પ્રતિ મેચ રૂ. ૫૭.૫ કરોડમાં અને ડિજિટલ રાઇટ્‍સ પ્રતિ મેચ રૂ. ૫૦ કરોડમાં વેચાયા હતા. આ રીતે, પ્રતિ મેચ ૧૦૭.૫ કરોડ રૂપિયાની સંયુક્‍ત રકમ સાથે, IPL વિશ્વની સૌથી મોંઘી લીગની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ઈ-ઓક્‍શનથી ધનવર્ષાની થયા પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પૂર્વ મહિલા અને પુરુષ ક્રિકેટરો અને પૂર્વ અમ્‍પાયરોને મોટી ભેટ આપી છે.બીસીસીઆઈએ આ તમામ ક્રિકેટર્સ અને અમ્‍પાયર્સના માસિક પેન્‍શનમાં વધારો કર્યો છે. ભારતના ભૂતપૂર્વ કેપ્‍ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે ક્રિકેટ બોર્ડ માટે આપણા પૂર્વ ક્રિકેટરો અને અમ્‍પાયરોની આર્થિક સ્‍થિતિનું ધ્‍યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેણે કહ્યું, આપણા ભૂતપૂર્વ ક્રિકેટરોની આર્થિક સ્‍થિતિનું ધ્‍યાન રાખવું ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. ખેલાડીઓ લાઈફલાઈન રહે છે અને બોર્ડ તરીકે અમારી ફરજ છે કે એકવાર તેમના રમવાના દિવસો પૂરા થઈ જાય તો આપણે તેમની કાળજી લેવી જોઈએ.BCCI સેક્રેટરી જય શાહે જણાવ્‍યું હતું કે, લગભગ ૯૦૦ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે, જેમાં ૭૫ ટકાથી વધુ લાભાર્થીઓને ૧૦૦ ટકાનો વધારો મળશે.બીસીસીઆઈના ટ્રેઝરર અરુણ સિંહ ધૂમલે કહ્યું હતું કે, બીસીસીઆઈ આજે જે કંઇ પણ છે તે તેના ભૂતપૂર્વ ક્રિકેટરો અને અમ્‍પાયરોના યોગદાનને કારણે છે. અમે માસિક પેન્‍શનમાં વધારાની જાહેરાત કરતાં ખુશ છીએ, જે અમારા ભૂતપૂર્વ ક્રિકેટરો માટે એક સારો સંકેત બની રહેશે.

(4:25 pm IST)