Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સાફ ચેમ્પિયનશીપઃ સુનીલ છેત્રીએ બે ગોલ ફટકાર્યાઃ ભારત ફાઇનલમાં

૧૬મીએ નેપાળ સામે મુકાબલોઃ સુનિલ છેત્રી મેસ્સીના ૮૦ ગોલથી માત્ર બે ગોલ પાછળ

  ભારતીય ફૂટબોલ ટીમે બુધવારે રાત્રે રમાયેલી મેચમાં માલદીવને ૩-૧થી હરાવીને સાફ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેના કેપ્ટન સુનીલ છેત્રીના તેજસ્વી બે ગોલને આભારી છે. છેત્રીએ ભારત માટે ૬૨ મી અને ૭૧ મી મિનિટમાં ગોલ કર્યો હતો. મનવીર સિંહે ૩૩ મી મિનિટમાં ભારત માટે પહેલો ગોલ કર્યો હતો. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે આ મેચ કોઇપણ સંજોગોમાં જીતવી જરુરી હતી, જેમાં તે સફળ રહી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અલી અશ્ફાકે ૪૫ મી મિનિટમાં માલદીવ   માટે એકમાત્ર ગોલ કર્યો હતો. ભારતીય ટીમ ૧૨ મી વખત ફાઇનલમાં પહોંચી છે.

  આ છેત્રીની ૧૨૪ મી આંતરરાષ્ટ્રીય મેચ હતી અને હવે તે આર્જેન્ટિનાના ફૂટબોલના મહાન ખેલાડી લિયોનલ મેસ્સીના ૮૦ આંતરરાષ્ટ્રીય ગોલથી માત્ર એક ગોલ પાછળ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં મેસ્સી બીજા ક્રમે છે. તેમના પહેલા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. રોનાલ્ડોના નામે ૧૧૫ ગોલ છે. ફાઇનલમાં ભારતીય ટીમ ૧૬ ઓકટોબરે નેપાળ સામે ટકરાશે. નેપાળે બીજી મેચમાં બાંગ્લાદેશ સાથે ૧-૧થી ડ્રો રમી હતી. ભારત પાંચ ટીમના ટેબલમાં આઠ પોઇન્ટ સાથે ફાઇનલમાં પહોંચ્યું છે, જ્યારે નેપાળ સાત પોઇન્ટ સાથે આવી ગયું છે. ભારતે લીગ રાઉન્ડમાં નેપાળને ૧-૦થી હરાવ્યું હતું.

(2:59 pm IST)