Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

IPL : મેચ જીતી ગયા પણ દિનેશ કાર્તિકને ઠપકો મળ્યો

દિનેશ કાર્તિકે આચારસંહિતાનો ભંગ કર્યો : આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપસર દંડ પણ કરાયો

શારજાહ, તા.૧૪ : શારજાહના ક્રિકેટ સ્ટેડિમમાં આયોજિત ક્વોલિફાયર-૨ મેચમાં વેંકટેશ ઐયર અને શુભમન ગિલની શાનદાર બેટિંગને કારણે કોલકાતા નાઈટરાઈડર્સની ટીમે દિલ્હી કેપિટલ્સની સામે વિજય મેળવ્યો હતો.

કોલકાતાની ટીમે દિલ્હીને ૩ વિકેટથી હરાવી હતી. રાહુલ ત્રિપાઠીએ અંતિમ ઓવરમાં વિનિંગ સિક્સર ફટકારીને આ મેચ પોતાના નામે કરી હતી. હવે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ ૧૫ ઓક્ટોબરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ મેચ તો જીતી ગઈ પરંતુ પૂર્વ સુકાની દિનેશ કાર્તિકને ઠપકો પડ્યો છે. દિનેશ કાર્તિકે દિલ્હી સામે રમાયેલી આ મેચમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ હતું. આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપસર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે આઈપીએલ દ્વારા આ ઘટનાનો વિસ્તૃત ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આઈપીએલ દ્વારા જણાવવામાં નથી આવ્યું કે આખરે દિનેશને ઠપકો કેમ આપવામાં આવ્યો છે. પરંતુ બની શકે કે આઉટ થયા પછી દિનેશે સ્ટમ્પ ઉખાડ્યો હતો, તેના માટે ઠપકો આપવામાં આવ્યો હોય.

આઈપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સના વિકેટકીપર દિનેશ કાર્તિકને આઈપીએલ ક્વોલિફાયર ૨માં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં લીગની આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષી માનવામાં આવ્યા છે. તેમણે લેવલ-૧ના અનુચ્છેદ ૨.૨નું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે, દિનેશ કાર્તિકે પોતાની ભૂલ માની લીધી છે અને સજા સ્વીકારી છે. લેવલ-૧ના નિયમના ઉલ્લંઘન બાબતે મેચના રેફરીનો નિર્ણય અંતિમ હોય છે.

(7:22 pm IST)