Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

રવિચંદ્રન અશ્વિનની સદી સાથે ભારતની બીજી ટેસ્ટ ઉપર મજબૂત પકડ

પ્રથમ ટેસ્ટની હારનો બદલો વાળવાની ભારતને તક : ભારતે પ્રવાસી ટીમને ૪૮૨ રનનો કપરો વિજય પડકાર આપ્યોઃ ઈંગ્લેન્ડના બીજી ઈનિંગ્સમાં ૩ વિકેટે ૫૩ રન

ચેન્નઈ, તા. ૧૫ : બોલિંગમાં તરખાટ મચાવ્યા બાદ રવિચંદ્રન અશ્વિને બેટિંગમાં પણ કમાલ કરીને ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતની સ્થિતિ વધારે મજબૂત બનાવી દીધી છે. સ્ટાર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા બાદ અશ્વિને અદ્દભુત બેટિંગ કરીને સદી ફટકારી હતી જેની મદદથી ભારતે પ્રવાસી ઈંગ્લેન્ડ ટીમ સામે ૪૮૨ રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો છે. જેના જવાબમાં પ્રથમ દાવ માત્ર ૧૩૪ રન બનાવનારી પ્રવાસી ટીમે તેની બીજી ઈનિંગ્સમાં પણ બેટિંગ ધબડકો જાળવી રાખતા માત્ર ૫૩ રનમાં તેની ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. રમતના હજુ બે દિવસ બાકી છે ત્યારે ઈંગ્લેન્ડને વિજય માટે હજુ ૪૨૯ રનની જરૂર છે અને તેની સાત વિકેટ બાકી છે. જોકે, ભારતીય સ્પિર્ન્સ ખાસ કરીને અશ્વિન સામે આ વિકેટ પર પ્રવાસી ટીમના બેટસમેન્સ લાંબો સમય ટકી શકે એવી શક્યતા ઓછી લાગી રહી છે. ભારતે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ આ ટેસ્ટમાં તેને પરાજયનો બદલો વાળવાની સારી તક છે. બીજા દાવમાં ભારત ૨૮૬ રનમાં આઉટ થઈ ગયું હતું. અશ્વિને ૧૦૬ રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. અગાઉ ભારતે પ્રથમ દાવમાં ૩૨૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

બીજા દાવમાં ભારતના સ્ટાર બેટ્સમેનો કોઈ કમાલ કરી શક્યા ન હતા ત્યારે અશ્વિને બાજી સંભાળી હતી અને સદી નોંધાવીને ઈંગ્લેન્ડ સામે વિશાળ લક્ષ્યાંક મૂકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે ભારતે ૧૦૬ રનમાં પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ લોકલ હિરો અશ્વિને એક છેડો જાળવી રાખ્યો હતો અને ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવ્યા હતા. અશ્વિને ૧૪૮ બોલનો સામનો કરતા ૧૦૬ રન નોંધાવ્યા હતા જેમાં ૧૪ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.

ભારતે સોમવારે મેચના ત્રીજા દિવસે એક વિકેટે ૫૪ રનના સ્કોરે પોતાનો દાવ આગળ ધપાવ્યો હતો. પરંતુ દિવસની શરૂઆતમાં જ ભારતે ચેતેશ્વર પૂજારાની વિકેટ ગુમાવી દીધી હતી. પૂજારા સાત રન નોંધાવીને રન આઉટ થયો હતો. હજી ભારત આ ઝટકામાંથી બહાર આવે તે અગાઉ ઓપનર રોહિત શર્મા આઉટ થયો હતો. તેણે ૨૬ રન નોંધાવ્યા હતા. ભારતે દિવસની શરૂઆતમાં એક જ રનમાં આ બંને મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રિશભ પંત ૮, અજિંક્ય રહાણે ૧૦ અને અક્ષર પટેલ ૭ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ ૬૨ રન નોંધાવ્યા હતા અને તેણે અશ્વિન સાથે ૯૬ રનની ભાગીદારી નોંધાવી હતી.

બીજા દાવમાં ઈંગ્લેન્ડ માટે સ્પિનર્સે અદ્દભુત પ્રદર્શન કર્યું હતું. ચેન્નઈની પિચ સ્પિનર્સ માટે મદદરૂપ સાબિત થઈ છે તેવામાં ઈંગ્લેન્ડનો સઘળો મદાર સ્પિનર પર જ હતો. ઈંગ્લેન્ડે તેના સ્ટાર ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ પાસે ફક્ત ૯ ઓવર જ કરાવી હતી. જેક લીચે ૩૩ ઓવરમાં ૧૦૦ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મોઈન અલીએ ૩૨ ઓવરમાં ૯૮ રન આપીને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. ઓલી સ્ટોનને એક સફળતા મળી હતી.

સ્કોરબોર્ડ

ભારત પ્રથમ દાવ : ૩૨૯

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૧૩૪

ભારત બીજો દાવ :

રોહિત

સ્ટ. ફોએકેસ બો. લીચ

૨૬

ગિલ

એલબી બો. લીચ

૧૪

પુજારા

રનઆઉટ

૦૭

કોહલી

એલબી બો. અલી

૬૨

પંત

સ્ટ. ફોએકેસ બો. લીચ

૦૮

રહાણે

કો. પોપ બો. અલી

૧૦

અક્ષર પટેલ

એલબી બો. અલી

૦૭

અશ્વિન

બો. સ્ટોન

૧૦૬

કુલદીપ

એલબી બો. અલી

૦૩

ઇશાંત

કો. સ્ટોન બો. લીચ

૦૭

સિરાજ

અણનમ

૧૬

વધારાના

 

૨૦

કુલ              (૮૫.૫ ઓવરમાં ઓલઆઉટ) ૨૮૬

પતન  : ૧-૪૨, ૨-૫૫, ૩-૫૫, ૪-૬૫, ૬-૧૦૬, ૭-૨૦૨, ૮-૨૧૦, ૯-૨૩૭, ૧૦-૨૮૬.

બોલિંગ : સ્ટોન : ૬.૫-૧-૨૧-૧, લીચ : ૩૩-૬-૧૦૦-૪, અલી : ૩૨-૭-૯૮-૪, રુટ : ૪-૦-૧૫-૦, બ્રોડ : ૯-૩-૨૫-૦, લોરેન્સ : ૧-૦-૭-૦

ઇંગ્લેન્ડ બીજો દાવ :

બર્ન્સ

કો. કોહલી બો. અશ્વિન

૨૫

સિબલે

એલબી બો. પટેલ

૦૩

લોરેન્સ

અણનમ

૧૯

લીચ

કો. શર્મા બો. પટેલ

૦૦

રુટ

અણનમ

૦૨

વધારાના

 

૦૪

કુલ

(૧૯ ઓવરમાં ૩ વિકેટે)

૫૩

પતન  : ૧-૧૭, ૨-૪૯, ૩-૫૦

બોલિંગ : ઇશાંત : ૨-૧-૬-૦, પટેલ : ૯-૩-૧૫-૨, અશ્વિન : ૮-૧-૨૮-૧

(7:08 pm IST)