Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

WTC ફાઈનલઃ ત્રણ દિવસ પિચમાં બાઉન્સ રહેશે,બાદ બે દિવસ સ્પિનરોને યારી આપશે

સાઉથમ્પ્ટનમાં ૨૦ ડીગ્રી તાપમાન રહેશે, હળવા વરસાદની શકયતા

સાઉથમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૮મીથી ૨૨મી જૂન સુધી રમાનારી પ્રથમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે પિચ તૈયાર થઇ ચૂકી છે. સાઉથમ્પ્ટનના એજિસ બાઉલ ખાતેની પિચ પેસ બોલર્સ માટે સ્વર્ગસમી હોય છે તેવું માનવામાં આવે છે જેના કારણે ન્યૂઝીલેન્ડનું પલડું ભારે જણાય છે.

સાઉથમ્પ્ટનના ગ્રાઉન્ડ્સમેનના હેડ અને પિચ ક્યૂરેટર સિમોન લીએ જણાવ્યું હતું કે પિચ થોડીક ગ્રીન છે અને તેની ઉપરથી બોલને પેસ તથા સારો બાઉન્સ મળી રહેશે. હું વ્યકિતગત રીતે પિચ ઉપરથી સારો બાઉન્સ તથા પેસ મળી રહે તેવી તરફેણમાં છું. ઇંગ્લેન્ડમાં આ પ્રકારની પિચ તૈયાર કરવી મુશ્કેલ રહેતી હોય છે કારણ કે હવામાન મોટાભાગે ખરાબ રહેતું હોય છે પરંતુ હવામાન અંગે પૂર્વાનુમાન ઘણું સારું છે. સૂર્યપ્રકાશ રહેશે અને આ સ્થિતિમાં અમે પેસ અને બાઉન્સવાળી પિચ તૈયાર કરવામાં સફળ રહીશું.

હવામાનના પૂર્વાનુમાન મુજબ ફાઇનલના તમામ પાંચેય દિવસ સૂર્યપ્રકાશ રહેશે અને તાપમાન પણ ૨૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. હળવા વરસાદની પણ સંભાવના છે. સિમોન લીનું માનવું છે કે જો વાતાવરણ ભેજ વિનાનું રહેશે તો મેચના અંતિમ બે દિવસ સ્પિનર્સને પિચ ઉપરથી મદદ મળશે. ઇંગ્લેન્ડની પિચ જલદીથી સુકાઇ જતી હોય છે કારણ કે માટીમાં રેતીનું મિશ્રણ કરવામાં આવે છે. તમામ ખેલાડીઓને પોતાનું ટેલેન્ટ બતાવવાની તક મળે તેવી અમે પિચ તૈયાર કરીશું.

સિમોન લીએ જણાવ્યું હતું કે રેડ બોલ ક્રિકેટને વધારે રોમાંચક બનાવે છે. હું એવી પિચ બનાવવા માગું છું જેની ઉપર ક્રિકેટપ્રેમીઓને પ્રત્યેક બોલ જોવાની ફરજ પડશે.પિચ ઉપર બેટ્સમેનો અને બોલર્સ વચ્ચે રોમાંચક જંગ થશે તેમાં કોઇ શંકા નથી. મેઇડન ઓવર પણ રસપ્રદ બનતી હોય છે. પિચ ઉપરના બાઉન્સથી માત્ર બોલર્સને જ નહીં પરંતુ બેટ્સમેનોને પણ ફાયદો થશે.

(3:18 pm IST)