Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ટીમ ઈન્‍ડિયાને શુક્રવારે રાજકોટમાં સિરીઝ સરભર કરવાની તક

ઋતુરાજ અને કિશનની જોડીએ જમાવટ કર્યા બાદ હર્ષલે તરખાટ મચાવતા આફ્રિકાનો ઘોર પરાજય : આજે સાંજે ભારત અને સાઉથ આફ્રિકાની ટીમોનું આગમનઃ કાલે બન્‍ને ટીમોની નેટપ્રેકટીસઃ૧૭મીએ જંગ

રાજકોટઃ ઉપરાઉપરી બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્‍ડિયાએ જીત મેળવી છે. હવે ૧૭મીના રાજકોટના ખંઢેરીના મેદાનમાં રમાનાર મુકાબલામાં ભારતને સિરીઝ સરભર કરવાની તક મળશે. ક્રિકેટપ્રેમીઓ ટીમ ઈન્‍ડિયાને સપોર્ટ કરવા સજજ બન્‍યા છે.

દરમિયાન આજે બન્‍ને ટીમો ચાર્ટડ ફલાઈટ મારફત રાજકોટ આવી પહોચ્‍યા છે. એરપોર્ટ ખાતે મોટી સંખ્‍યામાં ચાહકો ઉમટી પડયા છે. બન્‍ને ટીમો આજે આરામ કરશે. આવતીકાલે બપોરે૧ વાગ્‍યાથી સાઉથ આફ્રિકાની ટીમ અને સાંજે ૫ વાગ્‍યાથી ટીમ ઈન્‍ડિયાના ખેલાડીઓ નેટ પ્રેકટીસ કરનાર છે.

ભારતે ગઈકાલે સાઉથ આફ્રિકાને પાંચ મેચવાળી ટી૨૦ સિરીઝની ત્રીજી મેચમાં ૪૮ રનથી હરાવીને શ્રેણી જીવંત રાખી હતી. મહેમાન ટીમ ૨-૧થી આગળ છે, પણ હવે ઓપનિંગ જોડી ફોર્મમાં આવી હોવાથી રિષભ પંત એન્‍ડ કંપની બાકીની બન્‍ને મેચ જીતીને ૩-૨થી વિજય મેળવી શકે એમ છે.

ઋતુરાજ ગાયડકવાડ (૫૭ રન, ૩૫ બોલ, બે સિકસર, સાત ફોર) અને ઈશાન કિશન (૫૪ રન, ૩૫ બોલ, બે સિકસર, પાંચ ફોર) વચ્‍ચેની ૯૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપે ભારતની જીતનો પાયો નાખ્‍યો હતો અને પછી હર્ષલ પટેલ (૩,૧-૦-૨૫-૪) તથા યુઝવેન્‍દ્ર ચહલ (૪-૦-૨૦-૩)ની કમાલથી આસાનીથી વિજય મેળવ્‍યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ૧૮૦ના લક્ષ્યાંક સામે ૧૯.૧ ઓવરમાં ૧૩૧ રને ઓલઆઉટ થયું હતું. હવે શુક્રવાર, ૧૭ જૂને રાજકોટમાં ચોથી મેચ રમાશે.

ભારતીય બોલરોના દબાણને કારણે  બીજી મેચના હીરો હિનરિચ કલાસેનના માત્ર ૨૯ રન ગઈ કાલે મહેમાન ટીમમાં હાઈએસ્‍ટ હતા. તેને ચહલે આઉટ કર્યો હતો. ડેન્‍જરસ બેટર ડેવિડ મિલર ત્રણ જ રન બનાવી શકયો હતો અને તેની વિકેટ હર્ષલે લીધી હતી. વેઈન પાર્નેલના અણનમ બાવીસ રન એળે ગયા હતા. અક્ષર પટેલ (૪-૦-૨૮-૧) પણ અસરકારક હતો અને ગઈ મેચના સ્‍ટારબોલર ભુવનેશ્વર કુમારે (૪-૦-૨૧-૧) પણ જીતમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

એ પહેલાં, ભારતીય ટીમે બેટિંગ મળ્‍યા પછી ઘણ વખતે સારી શરૂઆત સાથે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૯ રન બનાવ્‍યા હતા. સાઉથ આફ્રિકાને ૧૮૦ રનનો પડકારરૂપ ટાર્ગેટ આપવામાં ઓપનર્સનું સૌથી મોટું યોગદાન હતું. નબળા ફોર્મને લીધે ચર્ચાનું કેન્‍દ્ર બનેલા ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનની જોડીએ ૯૭ રનની ભાગીદારી કરી ત્‍યાર પછી બીજી કોઈ મોટી પાર્ટનરશિપ નહોતી થઈ. જોકે હાર્દિક પંડયા (૩૧ અણનમ, ૨૧બોલ, ચાર ફોર)એ રમવા મળેલા ટૂંકા સમયમાં ઉપયોગી યોગદાન આપ્‍યું હતું.

(3:52 pm IST)