Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ઈંગ્લેન્ડનો જો રૂટ ટેસ્ટ ક્રિકેટ બેટિંગ રેન્કિંગમાં ટોચ ઉપર

ટેસ્ટ ક્રિકેટના તાજા રેન્કિંગ જાહેર થયા : ટોપ ટેનમાં ભારતના રોહિત શર્મા અને વિરોટ કોહલીને જ સ્થાન મેળવી શક્યા : જો રૂટના ૮૯૭ પોઈન્ટ થઈ ગયા

નવી દિલ્હી, તા.૧૫ : ઈન્ગલેન્ડ ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન જો ટેસ્ટ ક્રિકેટમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સીરિઝમાં જો રૂટે રનનું ઘોડાપૂર સર્જ્યું છે અને રૂટને તેનો ફાયદો પણ મળ્યો છે. જો રૂટ હવે ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૧ બેટ્સમેન બની ચુક્યા છે. આજ રોજ જાહેર કરવામાં આવેલા તાજા રેન્કિંગમાં જો રૂટ ટોચ પર છે.

ન્યૂઝીલેન્ડ અને ઈન્ગલેન્ડ વચ્ચે ચાલી રહેલી સીરિઝ શરૂ થઈ તે પહેલા ઓસ્ટ્રેલિયાના માર્નસ લૈબુશેન નંબર-૧ ટેસ્ટ બેટ્સમેન હતા પરંતુ જો રૂટે આ સીરિઝમાં તેમને પછાડી દીધા. હવે ઈંગ્લિશ બેટ્સમેન જો રૂટના ૮૯૭ પોઈન્ટ થઈ ગયા છે જ્યારે માર્નસ લૈબુશેનના ૮૯૨ પોઈન્ટ છે.

ટોપ-૧૦ બેટસમેનઃ જો રૂટ, માર્નસ લૈબુશેન, સ્ટીવ સ્મિથ, બાબર આઝમ, કેન વિલિયમસન, ડિમુથ કરૂણારત્ને, ઉસ્માન ખ્વાજા, રોહિત શર્મા, ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી.

જો રૂટ પ્રથમ વખત ઓગષ્ટ ૨૦૧૫ (૯૧૭ રેટિંગ)માં ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૧ બન્યા હતા જ્યારે ડિસેમ્બર ૨૦૨૧માં છેલ્લી વખત તેઓ આ પોઝિશન પર હતા. જો રૂટ કુલ ૧૬૩ દિવસ માટે નવા નંબર-૧ ટેસ્ટ પ્લેયર બન્યા હતા. જો ફૈબ ફોરની વાત કરીએ તો સ્ટીવ સ્મિથ (૧,૫૦૬ દિવસ), વિરાટ કોહલી (૪૬૯ દિવસ) અને કેન વિલિયમસન (૨૪૫ દિવસ) માટે નંબર-૧ રહ્યા છે.

જો ટીમ ઈન્ડિયાના બેટ્સમેન્સને જોઈએ તો ટોપ-૧૦માં માત્ર ૨ જ ભારતીય ખેલાડીઓ છે. ૭૫૪ રેટિંગ સાથે રોહિત શર્મા ૮મા નંબર પર અને ૭૪૨ રેટિંગ્સ સાથે વિરાટ કોહલી ૧૦મા નંબરે છે. ઈન્ગલેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સીરિઝમાં હજુ સુધી ૨ મેચ રમ્યા છે જેમાં તેમણે ૩૦૫ રન બનાવ્યા છે જેમાં ૨ સદી પણ સામેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

(8:29 pm IST)