Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ભારતીય ક્રિકેટર મુરલી વિજય એક સમયે ટીમ ઇન્‍ડીયાનો ભરોસાપાત્ર ઓપનર હતો પરંતુ રોહિત શર્માના આવવાની સાથે જ તેનું પત્તુ કપાયુ

વિરાટ કોહલી પણ તેને સારો ક્રિકેટર ગણતો પરંતુ હવે ટીમમાં જગ્‍યા મળતી નથી

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્મા દુનિયાનો સૌથી સારો ઓપનિંગ બેટ્સમેન છે. વનડે અને ટી20 બાદ હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ રોહિતે સાબિત કર્યું છે કે તે કેમ હાલના સમયમાં સૌથી સારો બેટ્સમેન છે. જો કે રોહિતે જ્યારથી ક્રિકેટના તમામ ફોર્મેટના ઓપનિંગ સ્લોટ પર કબજો જમાવ્યો છે ત્યારથી એક ખેલાડી એવો પણ છે કે જે અત્યાર સુધી ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી.

લગભગ કરિયર ખતમ

ભારતીય ટેસ્ટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય એક સમયે ટીમ ઈન્ડિયાનો સૌથી ભરોસાપાત્ર ઓપનર હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુરલી વિજયે પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ પહેલા મયંક અગ્રવાલ અને ત્યારબાદ રોહિત શર્માએ ટીમમાં પૂરેપૂરી રીતે પત્તુ સાફ કરી દીધુ. હવે એવું લાગે છે કે વિજયને ક્યારેય ટીમમાં ફરીથી જગ્યા મળી શકશે નહીં.

આમ રહી મુરલી વિજયની કરિયર

મુરલી વિજયે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 61 મેચ રમી જેમાં 3982 રન કર્યા. દરમિયાન 12 સદી ફટકારી. વનડે અને ટી20 ક્રિકેટમાં તેને વધુ તક મળી નહીં અને તે કઈ ખાસ ઉકાળી પણ શક્યો નહીં. છેલ્લા 3 વર્ષથી તે ટીમમાંથી બહાર છે અને હવે રોહિત શર્મા અને કેએલ રાહુલનું ફોર્મ જોતા એવું લાગે છે કે તેને આવનારા સમયમાં પણ ટીમમાં જગ્યા મળશે નહીં.

રોહિત છે બેસ્ટ

રોહિત શર્મા હાલ ટીમ ઈન્ડિયાનો નહીં પરંતુ દુનિયાનો પણ બેસ્ટ ઓપનિંગ બેટ્સમેન છે. વનડે અને ટી20માં દુનિયા પર રાજ કરનારા રોહિતના નામે પહેલા ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ સદી વિદેશી ધરતી પર નહતી. પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં પૂરા થયેલા પ્રવાસમાં તેણે કારનામું પણ કરી નાખ્યું. રોહિતના નામે વનડે ક્રિકેટમાં 3 ડબલ સેન્ચ્યુરી છે. હાલના સમયમાં કોઈ પણ બીજો બેટ્સમેન રોહિત શર્માના રેકોર્ડની આજુબાજુ પણ નથી.

(4:53 pm IST)