Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ધવને રેલાવ્યા વાંસળીના સૂરઃ પૃથ્વીએ ગીત ગાયુ

શિખરનું ટ્વીટ થર્સ-ડે ટયુન અમારા ઈન હાઉસ સુપરસ્ટાર ગાયક પૃથ્વી શો સાથે

નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટ ની બીજી ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે  છે. રવિવારથી બંને દેશો વચ્ચે વન ડે સિરીઝની શરુઆત થનારી છે. આ માટે ટીમ ઇન્ડીયાએ ભરપૂર તૈયારીઓ શરૂ કરી છે. તૈયારીઓ વચ્ચે ટીમના ખેલાડીઓ હળવાશને પણ માણતા હોય છે. કેપ્ટન શિખર ધવન અને ઓપનર પૃથ્વી શો આવા જ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. ધવન વાંસળીના સૂર રેલાવી રહ્યો હતો, તો પૃથ્વી તેની સાથે ગીત ગાઇ રહ્યો હતો.

બાયોબબલમાં રહીને ટીમનો ખેલાડીઓ એક પ્રકારે માનસિક તાણ અનુભવતા હોય છે. જેને દૂર રાખવા માટે કેટલાક ઉપાયો પણ અજમાવવામાં આવતા હોય છે. આવી જ રીતે હળવા રહેવા માટે નો એક ઉપાય ગીત સંગીત છે. શ્રીલંકા પ્રવાસ માટે ની ટીમ ઇન્ડીયાના કેપ્ટન વાંસળી વગાડવાનુ ખૂબ સારી રીતે જાણે છે. આવી જ રીતે તેણે કોલંબોમાં હોટલમાં વાંસળીના સૂર રેલાવીને દીલ જીતી લીધુ હતુ. ધવનની વાંસળીના સૂરને ઓપનર પૃથ્વી શો સાથ આપી રહ્યો હતો.

શિખર ધવને વાંસળી વગાડતા અને સાથે પૃથ્વી શોનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં ધવન ફિલ્મ 'કટી પતંગ'ના જાણીતા ગીત 'યે શામ મસ્તાની, મદહોશ કિએ જાએ ..' ના સૂર વાંસળી વડે રેલાવી રહ્યો છે. જે ગીતની પંકિતઓને ધવનની પાછળ ઉભેલો પૃથ્વી શો ગાઇ રહ્યો છે. ધવને કેપ્શનમાં લખ્યુ હતુ કે, થર્સડે ટ્યૂન, અમારા ઇન હાઉસ સુપર સ્ટાર ગાયક પૃથ્વી શો. સાથે જ ધવને પૃથ્વી શોને ટેગ કર્યો હતો.

(3:07 pm IST)