Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પંતે કેમ ટ્રાવેલ્સ કંપનીના માલિકના ઘરે રોકાણ કર્યુ'તું?: નવા વિવાદનો ફણગો ફૂટયો

બીસીસીઆઈના એક અધિકારીએ એન્ટી કરપ્શન યુનિટ ઉપર સવાલ ઉઠાવ્યા : પંત અને કુલજીંદર બહિયાના પુત્ર સાથે ફૂટબોલનો મેચ માણ્યો હતો, અનેક લોકોને મળ્યો હતો

નવીદિલ્હીઃ ઈંગ્લેન્ડ પ્રવાસ  દરમ્યાન હવે નવો વિવાદ છેડાયો છે. બીસીસીઆઈના એક અધિકારીએ જ સવાલ ઉઠાવ્યા છે. પહેલા તો ત્રણ સપ્તાહની રજા માણવા દરમ્યાન ઋષભ પંતે  કોરોના પોઝિટિવ જણાયો છે. તેના ઉપરાંત થ્રોડાઉન સ્પેશિયાલીસ્ટ દયાનંદ પણ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા છે. ઋષભ પંતે લંડનમાં આ દરમ્યાન એક ટ્રાવેલ્સ કંપનીના માલિક દ્વારા અપાયેલી વ્યવસ્થાઓનો ઉપયોગ કર્યો હતો. તેમના ઘરે જ રોકાણ કર્યુ હોવાનું પણ સામે આવ્યુ છે. જેને લઈને હવે વિવાદ છેડાવવા લાગ્યો છે.

ખેલાડીઓ રજાઓ દરમ્યાન ઈંગ્લેન્ડમાં છૂટથી ફર્યા હતા. જેને લઈ બીસીસીઆઈના એક પદાધીકારીએ એન્ટી કરપ્શન યૂનિટના વલણને લઈને સવાલો કર્યા છે. તેમણે કહ્યું હતુ કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત એક બિઝનેસમેનની હોસ્પિટાલીટી ભોગવી રહ્યો હતો. રજાઓ અને ત્યારબાદ શ્રેણી રમાનારી હોય તો એન્ટી કરપ્શન યૂનિટે ધ્યાન રાખવુ જોઈતુ હતુ.

પદાધીકારીએ સવાલ ઉઠાવ્યો હતો કે બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટ શું કરી રહ્યુ હતુ. મોટાભાગના ખેલાડીઓ હોટલમાં રોકાણ કરી રહ્યા હતા. પંત બિઝનેસમેનની સુવિધાઓમાં હતો. લંડનમાં રહેતા અને ટ્રાવેલ્સ કંપનીના માલિક કુલજીંદર બહિયા છે. જેઓ અનેક ભારતીય ક્રિકેટરોના મિત્ર રહ્યા છે. જેમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના તેઓ દોસ્ત હતા. જેને લઈ ધોનીએ જ ઋષભ પંતની મુલાકાત બહિયા સાથે કરાવી હતી.

ટ્રાવેલ્સ કંપનીના માલિક કુલજીંદર બહિયાના ઘરે જ લંડનમાં ઋષભ પંત રોકાયો છે. હાલમાં પણ પંત તેમના ઘરે કવોરન્ટાઈન પિરીયડ ગાળી રહ્યો છે. ઋષભ પંત અને કુલજીંદર બહિયાનો પુત્ર બંને સાથે ઈંગ્લેન્ડ અને જર્મની વચ્ચે રમાયેલ યૂરો કપની મેચ માણી હતી. આમ હવે કુલજીંદર સાથે ઋષભ પંતની થયેલી નિકટતાને લઈને હવે સવાલો છેડાવા લાગ્યા છે. કારણ કે આ દરમ્યાન તેને અનેક લોકો સાથે મળવાનું થયુ હશે. સાથે જ તેમને બિઝનેસમેનની સુવિધાઓનો ઉપયોગ કર્યો છે.

(3:07 pm IST)