Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઓગસ્‍ટ-સપ્‍ટેમ્‍બરમાં ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મેચની ટેસ્‍ટ સિરીઝ રમશેઃ ભારતીય ટીમ સામે 14 વર્ષના ખરાબ પ્રદર્શનને ખતમ કરવાનો પડકાર

નવી દિલ્લી: ટીમ ઈન્ડિયાને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતીય ટીમ સામે 14 વર્ષના દુકાળને ખતમ કરવાનો પડકાર છે. ભારતે છેલ્લે 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારતીય ટીમે તે સિરીઝની પહેલી અને ત્રીજી મેચ ડ્રો કરાવી હતી. જ્યારે નોટિંગહામમાં રમવામાં આવેલ બીજી ટેસ્ટ 7 વિકેટથી જીતી હતી. જ્યારે છેલ્લે ભારતે 2018માં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ રમી હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને તે સિરીઝમાં 1-4થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે ઈંગલેન્ડમાં છેલ્લી ત્રણ ટેસ્ટ સિરીઝ 2011,2014 અને 2018માં ગુમાવી હતી. ભારતે ઈંગ્લેન્ડ સામે તેની ધરતી પર અત્યાર સુધી કુલ 18 ટેસ્ટ સિરીઝ રમી છે. જેમાંથી ભારતને માત્ર ત્રણમાં જીત મળી અને 14 વખત તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. 2002માં ચાર મેચની સિરીઝ 1-1થી ડ્રો રહી હતી.

પહેલી સિરીઝ જીત - વાડેકરે રચ્યો હતો ઈતિહાસ:

ભારતીય ટીમે પોતાની પહેલી ટેસ્ટ મેચ 1932માં ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમી હતી. ભારતને ઈંગ્લેન્ડમાં પહેલી જીત માટે લગભગ 40 વર્ષનો લાંબો ઈંતઝાર કરવો પડ્યો. 1971માં અજીત વાડેકરની આગેવાનીમાં ભારતે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. પહેલી બે ટેસ્ટ મેચ ડ્રો રહી. ઓવલમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચને ભારતે 4 વિકેટથી જીતીને સિરીઝ 1-0થી પોતાના નામે કરી.

કપિલ દેવની આગેવાનીમાં જીતી બીજી સિરીઝ:

1986માં કપિલ દેવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઈંગ્લેન્ડ ગઈ હતી. તે સમયે ઈંગ્લીશ ટીમમાં ગ્રેહામ ગૂચ, એલન લેમ્બ અને માઈક ગેટિંગ જેવા દિગ્ગજ હતા. લોર્ડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચને ભારતે 5 વિકેટથી જીતી લીધી. જે આ ઐતિહાસિક મેદાન પર તેની પહેલી ટેસ્ટ જીત હતી. પછી લીડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટને પણ ભારતે 279 રનથી જીતીને 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી. બર્મિગહામમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

ઈંગ્લેન્ડની ટીમનો પોતાના ઘરમાં રહ્યો છે દબદબો:

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે અત્યાર સુધી કુલ 126 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી ઈંગ્લેન્ડને 48માં અને ભારતને 29 મેચમાં જીત મળી છે. જ્યારે 49 ટેસ્ટ મેચ ડ્રો રહી. ભારતે ઈંગ્લેન્ડની સામે તેની જમીન પર અત્યાર સુધી કુલ 62 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ભારતને 7 મેચમાં જીત મળી. જ્યારે 34 ટેસ્ટમાં પરાજયનો સામનો કરવો પડ્યો. તો 21 ટેસ્ટ મેચ ડ્રો રહી. બીજી બાજુ ભારતની ટીમનો ઘરઆંગણે દેખાવ શાનદાર રહ્યો છે. ભારતે પોતાના ઘરમાં ઈંગ્લેન્ડ સામે 64 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ભારતે 22 મેચમાં જીત મેળવી છે. જ્યારે 14 મેચમાં હાર મળી છે. તો 28 મેચ ડ્રોમાં પરિણમી છે.

ભારતની પાસે સિરીઝ જીતવાની શાનદાર તક:

ટીમ ઈન્ડિયાની પાસે ઈંગ્લેન્ડની ધરતી પર ચોથી વખત ટેસ્ટ સિરીઝ જીતવાની શાનદાર તક છે. ભારતે હાલમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડને 3-1થી પરાજય આપ્યો હતો. તેના કારણે ભારતીય ટીમનો જુસ્સો બુલંદ છે.

ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત 4 ઓગસ્ટથી થશે:

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ નોટિંગહામમાં 4 ઓગસ્ટથી થશે. બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટથી લીડ્સ અને ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન પર 2 સપ્ટેમ્બરે રમાશે. જ્યારે સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ માન્ચેસ્ટરમાં 10 સપ્ટેમ્બરે રમાશે.

(4:30 pm IST)