Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ટીમ ઇન્ડિયાનો ન્યૂઝિલેન્ડનો પ્રવાસ સ્થગિત : 14 દિવસના ક્વોરન્ટાઈન નિયમને કારણે હવે આવતા વર્ષે પ્રવાસ કરશે

ભારતીય ટીમ હવે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ન્યૂઝિલેન્ડના પ્રવાસે જશે

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમે વ્યસ્ત કાર્યક્રમ અને ન્યૂઝિલેન્ડમાં ક્વૉરન્ટાઈનના કડક નિયમોને કારણે ચાલુ વર્ષના અંત ભાગમાં યોજાનારો ન્યૂઝિલેન્ડનો પ્રવાસ એક વર્ષ માટે સ્થગિત કર્યો છે. ભારતીય ટીમ હવે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ન્યૂઝિલેન્ડના પ્રવાસે જશે અને યજમાનો સામે વન ડે શ્રેણી રમશે , જે વન ડેની સુપર લીગનો ભાગ હશે.

ન્યૂઝિલેન્ડમાં ભારતે ત્રણ વન ડે મેચ રમવાની છે. જો ભારતીય ટીમ ચાલુ વર્ષે ન્યૂઝિલેન્ડ પ્રવાસે જાય તો ત્યાંની સરકારના કોવિડ પ્રોટોકોલ અનુસાર ક્રિકેટરોને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડે તેમ છે. આ કારણે ભારતના ન્યૂઝિલેન્ડ પ્રવાસને એક વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત, ન્યૂઝિલેન્ડની ટીમ તો નવેમ્બરમાં બે ટેસ્ટ અને ત્રણ ટી-૨૦ રમવા માટે ભારત આવી જ રહી છે.

વિલિયમસનની આગેવાની હેઠળની ન્યૂઝિલેન્ડની ટીમ ભારત પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફરશે, ત્યારે તેમને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. આ જ કારણે ન્યૂઝિલેન્ડ બોર્ડ ઘરઆંગણે ૨૬મી ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ રમાડી નહીં શકે. આ ઉપરાંત બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ પણ ૨૮ ડિસેમ્બર કે તે પછી આયોજીત કરવી પડશે.

ચાલુ વર્ષના અંતથી ન્યૂઝિલેન્ડની ઘરઆંગણાની ક્રિકેટ સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ન્યૂઝિલેન્ડ ઘરઆંગણે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમવાનું છે. જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ રહેશે.

(10:26 pm IST)